વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અખબારોમાં જેની ગણના થાય છે તે 'વોશિંગ્ટન પોસ્ટ' અત્યારે એક મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. બુધવારનો દિવસ આ સંસ્થાના ઇતિહાસમાં કાળો દિવસ સાબિત થયો છે. મેનેજમેન્ટે અચાનક સંસ્થાના પુનર્ગઠનની જાહેરાત કરી, જેના કારણે અખબારના લગભગ એક તૃતીયાંશ (33%) કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવવી પડી છે. આ છટણીએ માત્ર અમેરિકા જ નહીં પરંતુ વૈશ્વિક મીડિયા જગતને હચમચાવી દીધું છે.
સ્પોર્ટ્સ અને ઇન્ટરનેશનલ ડેસ્ક પર તવાઈ
વોશિંગ્ટન પોસ્ટના આ નિર્ણયની સૌથી મોટી અસર તેના ઇન્ટરનેશનલ અને સ્પોર્ટ્સ ડેસ્ક પર પડી છે. કંપનીએ ચોંકાવનારો નિર્ણય લેતા આખું સ્પોર્ટ્સ ડેસ્ક જ બંધ કરી દીધું છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય રિપોર્ટિંગમાં પણ ધરખમ કાપ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે દિલ્હી, બેઇજિંગ, કિવ, બર્લિન અને લેટિન અમેરિકામાં કાર્યરત અનેક અનુભવી બ્યુરો ચીફ્સ અને સંવાદદાતાઓને તાત્કાલિક અસરથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.
ઈશાન થરૂરની લાગણીસભર વિદાય
આ છટણીમાં સૌથી ચર્ચિત નામ ભારત સરકારના પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા શશિ થરૂરના પુત્ર ઈશાન થરૂરનું છે. ઈશાન છેલ્લા 12 વર્ષથી વોશિંગ્ટન પોસ્ટ સાથે જોડાયેલા હતા અને તેમની વર્લ્ડવ્યૂ કોલમ દુનિયાભરમાં લોકપ્રિય હતી. તેમણે સોશિયલ મીડિયા પર ખાલી ન્યૂઝરૂમની એક હૃદયસ્પર્શી તસવીર શેર કરતા લખ્યું કે, "આ એક ખૂબ જ ખરાબ દિવસ છે." તેમણે વર્ષ 2017 થી લાખો વાચકો સાથે જોડાયેલા રહેવા બદલ ગૌરવની લાગણી પણ વ્યક્ત કરી હતી.
પત્રકારોનું છલકાયું દર્દ
માત્ર ઈશાન જ નહીં, પરંતુ યરુશલેમ બ્યુરો ચીફ ગેરી શિહે પણ પોતાની પીડા વ્યક્ત કરતા જણાવ્યું કે તેમની સાથે મિડલ ઈસ્ટની આખી ટીમને હટાવી દેવામાં આવી છે. 11 વર્ષ સુધી સ્પોર્ટ્સમાં તપાસનાત્મક પત્રકારત્વ કરનાર વિલ હોબ્સને પણ પોતાની નોકરી ગુમાવી છે. અનેક પત્રકારોએ સોશિયલ મીડિયા પર દર્દભરી ચિઠ્ઠીઓ લખીને જણાવ્યું છે કે કેવી રીતે એક ક્ષણમાં તેમની વર્ષોની મહેનત અને યાદો ન્યૂઝરૂમમાંથી બહાર ફેંકાઈ ગઈ.
