ઇઝરાયલમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી 2026ની મત ગણતરી દરમિયાન અત્યંત નાટકીય પરિવર્તનો જોવા મળી રહ્યા છે. શરૂઆતના એક્ઝિટ પોલમાં બેન્જામિન નેતન્યાહૂ માટે પડકારજનક પરિસ્થિતિ દર્શાવવામાં આવી હતી, પરંતુ મત ગણતરી આગળ વધવાની સાથે જ તેમની લિકુડ પાર્ટી (Likud Party) અને જમણેરી ગઠબંધને જોરદાર વાપસી કરીને પરિણામોના વલણો બદલી નાખ્યા છે. આ સફળતાથી નેતન્યાહૂના સમર્થકોમાં ભારે ઉત્સાહ છવાયો છે અને ઉજવણી શરુ થઈ ગઈ છે.

લિકુડ પાર્ટી અને ગઠબંધનનું વર્ચસ્વ

પ્રારંભિક મત ગણતરી અનુસાર, બેન્જામિન નેતન્યાહૂનું જમણેરી ગઠબંધન સરકાર બનાવવા માટેના જરૂરી ૬૧ બેઠકોના જાદુઈ આંકડાની ખૂબ નજીક પહોંચી ગયું છે. શરૂઆતમાં નેતન્યાહૂની લિકુડ પાર્ટીને ૨૩ થી ૨૫ બેઠકો મળવાનો અંદાજ હતો, પરંતુ ગણતરીમાં સુધારો થતાં તેમની પાર્ટી ૨૯ બેઠકો પર લીડ ધરાવતી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે અને ગઠબંધન કુલ ૫૯ થી ૬૧ બેઠકોની લીડ તરફ આગળ વધી રહ્યું છે.

નેતન્યાહૂ જીત તરફ આગળ

સેન્ટ્રલ ઈલેક્શન કમિટી દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ (સવારે 5.58 વાગ્યા સુધીમાં 41.9% ગણતરી પૂર્ણ), નેતન્યાહૂ સમર્થક ગઠબંધને 57 બેઠકો જીતી લીધી છે, જ્યારે વિપક્ષી ગઠબંધનને ૪૭ બેઠકો મળી છે. આ સિવાય મુખ્યત્વે આરબ સમુદાયના પ્રતિનિધિત્વ ધરાવતા જોઈન્ટ લિસ્ટ અને રા'મ (Ra'am) પક્ષોએ કુલ 16 બેઠકો મેળવી છે.

ટ્રમ્પનો દાવો અને શ્રેય

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર પોસ્ટ કરીને ઇઝરાયલી ચૂંટણીમાં નેતન્યાહૂના આ શાનદાર દેખાવનો શ્રેય પોતાના સમર્થનને આપ્યો હતો. તેમણે જણાવ્યું કે શરૂઆતમાં નેતન્યાહૂની હારની અપેક્ષા હતી, પરંતુ તેમના જાહેર સપોર્ટથી ચૂંટણીનો સંપૂર્ણ માહોલ બદલાઈ ગયો છે અને હવે નેતન્યાહૂ વિજય તરફ વધી રહ્યા છે.

"આરબ પક્ષોની જરૂર નથી": નેતન્યાહૂ

પરિણામોના વલણો જોતાં વડાપ્રધાન નેતન્યાહૂએ દાવો કર્યો છે કે ઇઝરાયલના જનમાનસે જમણેરી વિચારસરણી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે દેશમાં એક સક્ષમ અને મજબૂત જમણેરી સરકારની રચના કરવામાં આવશે અને નવી સરકાર બનાવવા માટે અમારે આરબ પક્ષો પર આધાર રાખવાની જરૂર નહીં પડે.

આ પણ વાંચોઃ માનસિક તણાવ ઝડપથી દૂર કરશે આ ડ્રિંક, આજથી જ શરૂ કરી દો