દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈ ફ્લાઇટ પર થયેલા આતંકવાદી હુમલા અને હાઇજેક કરવાના નાપાક કાવતરાને ભારતીય પાયલટ અને સતર્ક મુસાફરોએ પોતાની બહાદુરીથી નિષ્ફળ બનાવી દીધું છે. આ ઘટનાએ માત્ર આકાશમાં જ નહીં, પરંતુ ઇઝરાયલના રાજકીય માહોલમાં પણ ભારે હલચલ મચાવી દીધી છે. ઇઝરાયલમાં આ મહિને જ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, અને આ કટોકટીભરી ઘટના પછી ત્યાંની રાજકીય ગતિશીલતા પર તેની શું અસર પડશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ઇઝરાયલી ન્યુઝ ચેનલ દ્વારા પોલ જાહેર કરાયા

ઘટના સામે આવ્યા બાદ ઇઝરાયલી ન્યૂઝ ચેનલ દ્વારા એક સાપ્તાહિક ટેલિવિઝન પોલ (સર્વે) જાહેર કરવામાં આવ્યો છે. આ ઓપિનિયન પોલ મુજબ, ચૂંટણી પહેલા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું જમણેરી જૂથ તેના હરીફો કરતા આગળ છે, પરંતુ તેઓ હજુ પણ ઇઝરાયલી સંસદ (નેસેટ) માં બહુમતી માટે જરૂરી આંકડાથી ઘણા પાછળ છે. સર્વેમાં ભૂતપૂર્વ સેના પ્રમુખ અને નેતન્યાહૂના મુખ્ય હરીફ ગાદી આઇઝેનકોટની 'યાશર પાર્ટી' 21 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે, જ્યારે નેતન્યાહૂની 'લિકુડ પાર્ટી' 19 બેઠકો સાથે બીજા ક્રમે છે. આ સમીકરણો અનુસાર, જો આજે ચૂંટણી યોજાય તો નેતન્યાહૂને સમર્થન આપતા પક્ષો પાસે 54 બેઠકો હશે, જ્યારે વિપક્ષી ઝાયોનિસ્ટ બ્લોક પાસે ૫૨ અને આરબ બ્લોક પાસે 14 બેઠકો રહી શકે છે. ઉલ્લેખનીય છે કે નેસેટમાં સરકાર બનાવવા માટે ૬૧ બેઠકોની બહુમતી અનિવાર્ય છે.

સુરક્ષા વ્યવસ્થા પર ઉભા થયા મોટાં સવાલો 

દરમિયાન, રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ આતંકવાદી ઘટના નેતન્યાહૂ માટે ફાયદાકારક સાબિત થવાને બદલે તેમની વિરુદ્ધ પણ કામ કરી શકે છે. નોર્વેમાં ભારતના પૂર્વ રાજદૂત અને પ્રોફેસર ડૉ. બી. બાલા ભાસ્કરના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી જનતા લાંબા સમયથી યુદ્ધ અને અસુરક્ષાના વાતાવરણમાં જીવીને કંટાળી ચૂકી છે. નાગરિકો હવે આવા સતત ખતરા અને ડરના સાયા હેઠળ જીવવા માંગતા નથી. વિરોધ પક્ષો પણ આ સુરક્ષા ચૂક અને કટોકટીના મુદ્દે વડા પ્રધાન નેતન્યાહૂને ઘેરવાનો પૂરો પ્રયાસ કરશે. આ આતંકવાદી હુમલાના પ્રયાસે ઇઝરાયલની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કર્યા છે, જે આગામી ચૂંટણીના પરિણામોને મોટું વળાંક આપી શકે છે.

આ પણ વાંચોઃ 34,000 ફૂટની ઊંચાઈએ થયેલી ઘટના બાદ ફ્લાયદુબઈએ ઇઝરાયલ રૂટની તમામ ફ્લાઇટ્સ કરી સ્થગિત