ગાઝામાં ઈઝરાયલી સેનાના હુમલાઓ સતત ચાલું છે. રવિવાર સવારથી સોમવાર સવાર સુધી ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 100 પેલેસ્ટિનિયનોના મોત થયા છે. સાથે જ ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 58000 પર પહોંચી ગઈ છે.
મૃતકોમાં મોટાભાગના બાળકો હતા
અહેવાલ મુજબ, ઇઝરાયલી સેનાએ ગાઝા શહેરના એક બજારમાં મિસાઇલ છોડી હતી. જેમાં તબીબી સલાહકાર અહેમદ કંદીલ સહિત 12 લોકો માર્યા ગયા હતા. ઇઝરાયલનો સૌથી ઘાતક હુમલો નુસેરાત શરણાર્થી શિબિરમાં થયો હતો. મૃતકોમાં મોટાભાગના બાળકો હતા. તેઓ પીવાનું પાણી મેળવવા માટે લાઇનમાં ઉભા હતા. આ હુમલામાં 17 લોકો ઘાયલ પણ થયા હતા.
ઇઝરાયલી સેનાએ સરકારી કર્મચારીઓને બનાવ્યા નિશાન
ઇઝરાયલી સેનાએ આ હુમલા પર સ્પષ્ટતા કરી છે કે ઇઝરાયલી સેના હવે ગાઝાના સરકારી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવી રહી છે. સેનાએ રવિવારે સવારે પેલેસ્ટિનિયન સેનાના લડવૈયાઓને નિશાન બનાવ્યા હતા પરંતુ ટેકનિકલ ખામીને કારણે મિસાઇલ ભટકી ગઈ અને બાળકો પર પડી હતી.
તમને જણાવી દઈએ કે ઇઝરાયલની નાકાબંધીને કારણે ગાઝા જળસંકટ તોડાઈ રહ્યું છે જેના કારણે લોકોને પોતાનો જીવ જોખમમાં મૂકીને ઘણા માઇલ મુસાફરી કરવી પડી રહી છે. લોકો ઉત્તરથી રફાહ સુધી 15 કિલોમીટર સુધી મુસાફરી કરે છે જેથી તેઓ ખોરાકના પેકેટ અને પીવાનું પાણી મેળવી શકે. ઘણા લોકો વાહનોમાં મુસાફરી કરે છે અને ઘણા લોકો પગપાળા મુસાફરી કરે છે. આ કારણે તેમને ઇઝરાયલી સેનાના સીધા ગોળીબારનો સામનો કરવો પડે છે.










