શનિવારે સવારે ઇઝરાયલે ઇરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરોમાં હવાઈ હુમલા કર્યા હોવાની માહિતી સામે આવી છે. સ્થાનિક અહેવાલો મુજબ, હુમલાઓ બાદ શહેરના અનેક વિસ્તારોમાં ધુમાડાના ગોટા દેખાયા હતા અને લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઇઝરાયલ તરફથી નિવેદન
ઇઝરાયલ તરફથી કહેવાયું છે કે આ કાર્યવાહી એક "નિવારક" પગલું હતું. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ નિવેદનમાં જણાવ્યું કે આ હુમલાનો હેતુ ઇઝરાયલ સામે ઉભા થયેલા "અસ્તિત્વના ખતરાને" દૂર કરવાનો હતો. તેમણે દાવો કર્યો કે ઇરાન તરફથી વધતી સૈન્ય પ્રવૃત્તિ અને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને આ પગલું લેવાયું છે. નેતન્યાહૂએ વધુમાં કહ્યું કે ઇઝરાયલ અને અમેરિકાની સંયુક્ત કાર્યવાહી પ્રદેશમાં સ્થિરતા લાવવા માટે જરૂરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વની પ્રશંસા
નેતન્યાહૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વની પ્રશંસા પણ કરી અને કહ્યું કે તેમના સમયગાળામાં લેવામાં આવેલા નિર્ણયો ઇઝરાયલની સુરક્ષા મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ રહ્યા હતા. જોકે, હાલ અમેરિકાની સત્તાવાર પ્રતિક્રિયા સ્પષ્ટ નથી.
રાષ્ટ્રપતિ કાર્યાલયના સૂત્રોને ટાંકીને જણાવ્યું
બીજી તરફ, ઇરાનની સરકારી સમાચારએ રાષ્ટ્રપતિ કાર્યાલયના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સંપૂર્ણપણે સુરક્ષિત છે. અગાઉ કેટલાક ઇઝરાયલી મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે હુમલાઓ ખાસ કરીને રાષ્ટ્રપતિને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા, પરંતુ ઇરાન તરફથી આ દાવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.
તેહરાનનું હવાઈ ક્ષેત્ર તાત્કાલિક બંધ
હુમલા બાદ તેહરાનનું હવાઈ ક્ષેત્ર તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ સેવાઓમાં પણ વિક્ષેપ જોવા મળ્યો હોવાના અહેવાલ છે. સત્તાવાર રીતે જાનહાનિના આંકડા હજુ સુધી જાહેર થયા નથી, જેના કારણે પરિસ્થિતિ અંગે અનિશ્ચિતતા યથાવત છે.
આ સમગ્ર ઘટનાક્રમ પર નજર
વિશ્વ સમુદાય આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યો છે. મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઇરાન વચ્ચે લાંબા સમયથી રાજકીય અને સૈન્ય તણાવ ચાલે છે. ઇરાન પરમાણુ કાર્યક્રમ અને પ્રાદેશિક પ્રભાવ વધારવાના પ્રયાસોને લઈને ઇઝરાયલ વારંવાર ચિંતા વ્યક્ત કરતું આવ્યું છે.
ઇઝરાયલ અને ઇરાન સુધી સીમિત નહીં રહે
વિશ્લેષકોનું માનવું છે કે જો આ તણાવ વધુ વધશે તો તેનો પ્રભાવ માત્ર ઇઝરાયલ અને ઇરાન સુધી સીમિત નહીં રહે, પરંતુ આખા મધ્ય પૂર્વ અને વૈશ્વિક તેલ બજાર પર પણ પડી શકે છે. આવનારા દિવસોમાં બંને દેશોની સત્તાવાર જાહેરાતો અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી પ્રયાસો પર બધાની નજર રહેશે. પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે અને કોઈપણ નવી માહિતી સાથે સમીકરણ બદલાઈ શકે છે.
આ પણ વાંચો : Israel Iran conflict : ઇઝરાયલે ઇરાન પર મોટો હુમલો કર્યો, તેહરાન સહિત અનેક સ્થળો પર વિસ્ફોટ