પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના ૧૦ દિવસ પૂર્ણ થયા બાદ, પેન્ટાગોને પ્રથમવાર અમેરિકી સૈન્યને થયેલા નુકસાનની વિગતવાર માહિતી જાહેર કરી છે. પેન્ટાગોનના પ્રવક્તા સીન પાર્નેલના જણાવ્યા અનુસાર, આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં આશરે ૧૪૦ અમેરિકી સૈનિકો ઘાયલ થયા છે.
સૈનિકોની સ્થિતિ અને જાનહાનિ
અહેવાલ મુજબ, મોટાભાગના સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેમાંથી 108 જવાનો પ્રાથમિક સારવાર બાદ ફરીથી પોતાની ફરજ પર તૈનાત થઈ ગયા છે. જોકે, 8 સૈનિકોની હાલત ગંભીર છે અને તેઓ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ઈરાન દ્વારા કરવામાં આવેલા વળતા રોકેટ અને ડ્રોન હુમલામાં કુવૈત અને સાઉદી અરેબિયામાં તૈનાત 7 અમેરિકી સૈનિકોએ જીવ ગુમાવ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટ અને ટ્રમ્પની ચેતવણી
આ સંઘર્ષ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાન દ્વારા બિછાવવામાં આવતા વિસ્ફોટકો (Mines) અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, જો ઈરાને આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં કોઈ પણ પ્રકારની માઈન્સ લગાવી હશે, તો તેને તાત્કાલિક દૂર કરવી પડશે. જો ઈરાન આવું કરવામાં નિષ્ફળ રહેશે, તો તેણે એવા 'અભૂતપૂર્વ' લશ્કરી પરિણામો ભોગવવા પડશે જેની તેણે કલ્પના પણ નહીં કરી હોય.
વૈશ્વિક તેલ વેપાર પર સંકટ
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના તેલ વેપાર માટેની જીવાદોરી સમાન છે, કારણ કે દુનિયાના કુલ તેલ વેપારનો ૨૦ ટકા હિસ્સો આ સાંકડા માર્ગ પરથી પસાર થાય છે. માત્ર 33 કિલોમીટર પહોળા આ માર્ગ પર જો ઈરાન નાકાબંધી કરે, તો વૈશ્વિક અર્થતંત્રમાં તેલના ભાવમાં મોટો ભડકો થઈ શકે છે. અમેરિકા અત્યારે પોતાના સૈનિકોની સુરક્ષા અને આ જળમાર્ગને ખુલ્લો રાખવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ પૃથ્વી બાદ ચંદ્ર પરનો ખતરો ટળ્યો! એસ્ટ્રોઇડે પોતાની દિશા બદલી, જુઓ Photo