મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે.
ઇઝરાયલની વાયુસેનાએ શું દાવો કર્યો
ઇઝરાયલની વાયુસેનાએ દાવો કર્યો છે કે માત્ર પાંચ દિવસમાં ઈરાન પર 5,000થી વધુ બોમ્બ અને દારૂગોળો ફેંકવામાં આવ્યા છે. Israel Defense Forces (IDF)ના જણાવ્યા અનુસાર, આ હુમલાઓ ખાસ કરીને ઈરાનની રાજધાની તેહરાન અને તેની આસપાસના વિસ્તારોમાં કેન્દ્રિત રહ્યા હતા.
સૈન્યના સોશિયલ મીડિયા અપડેટ
ઇઝરાયલી સૈન્યના સોશિયલ મીડિયા અપડેટ મુજબ, હુમલાઓનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનના લશ્કરી ઠેકાણાઓ, વ્યૂહાત્મક ઇમારતો અને શસ્ત્રાગારોને નિશાન બનાવવાનો હતો. IDFએ જણાવ્યું કે સંઘર્ષ શરૂ થયા બાદ સતત હવાઈ હુમલાઓ ચાલી રહ્યા છે અને તેમાં મોટી સંખ્યામાં આધુનિક શસ્ત્રોનો ઉપયોગ થયો છે.
ઇરાન તરફથી મિસાઇલ હુમલાનો દાવો
બીજી તરફ, IDFએ એ પણ માહિતી આપી કે ઈરાન તરફથી ઇઝરાયલ પર મિસાઇલ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના પગલે ઇઝરાયલની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ સક્રિય થઈ ગઈ હતી અને મિસાઇલોને રોકવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને, નાગરિકોને થોડા સમય માટે આશ્રયસ્થાનોમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી, જોકે પરિસ્થિતિ શાંત થતાં ચેતવણી પાછી ખેંચાઈ ગઈ હતી.
માનવીય નુકસાન અને વિનાશ
તાજેતરના સત્તાવાર આંકડા મુજબ, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુએસ-ઇઝરાયલી સંયુક્ત હુમલાઓમાં ઈરાનમાં ઓછામાં ઓછા 1,045 લોકોનાં મોત થયા છે. ઈરાનની રેડ ક્રેસેન્ટ સંસ્થાએ જણાવ્યું હતું કે 130થી વધુ શહેરો અને રહેણાંક વિસ્તારો આ હુમલાથી પ્રભાવિત થયા છે.
હોસ્પિટલો અને સરકારી ઇમારતોને નુકસાન
અહેવાલો મુજબ, અનેક શાળાઓ, હોસ્પિટલો અને સરકારી ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. દક્ષિણ ઈરાનના મીનાબ શહેરમાં એક કન્યા શાળા પર થયેલા હુમલામાં 160થી વધુ વિદ્યાર્થીનીઓ અને સ્ટાફના મોત થયાની વાત સામે આવી છે, જેને અત્યાર સુધીની સૌથી ભયાનક ઘટના ગણવામાં આવી રહી છે.
વધતો યુદ્ધનો ખતરો
મધ્ય પૂર્વમાં હાલની પરિસ્થિતિ અત્યંત તંગ છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત કાર્યવાહી બાદ ઈરાને અનેક સ્થળોએ બદલો લીધો હોવાના અહેવાલો છે. જેના કારણે સમગ્ર પ્રદેશમાં મોટા પાયે યુદ્ધ ફાટી નીકળવાની ભીતિ વધી રહી છે. જોકે, બંને દેશો તરફથી કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવી મુશ્કેલ બની રહી છે. સોશિયલ મીડિયા પર હુમલાના વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, પરંતુ તેમાં કેટલા સચ્ચા અને કેટલા ભ્રામક છે તે નક્કી કરવું મુશ્કેલ બની રહ્યું છે. વિશ્વ સમુદાય હાલ આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને સંઘર્ષ શાંત થાય તે માટે પ્રયાસો ચાલી રહ્યા હોવાના સંકેતો પણ મળી રહ્યા છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા, તણાવ ઝડપથી ઘટે તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે.
આ પણ વાંચો : Iraq blackout : ઇરાકમાં રાષ્ટ્રીય બ્લેકઆઉટ! પાવર ગ્રીડ તૂટી પડતાં સમગ્ર ઇરાકમાં વિજળી ગુલ