મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સીધી અથડામણ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ દાવો કર્યો છે કે તેણે ઈરાનના ઇસ્ફહાન પ્રાંતમાં આવેલા એક મહત્વપૂર્ણ એરપોર્ટ પર હવાઈ હુમલો કર્યો હતો. ઇઝરાયલના જણાવ્યા મુજબ આ હુમલામાં ઈરાનના અનેક F-14 ફાઇટર જેટ નાશ પામ્યા છે. જોકે, ચોક્કસ કેટલા વિમાનો નષ્ટ થયા તે અંગે કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.

ટેલિગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટ

IDF દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટ મુજબ, ઇસ્ફહાન એરપોર્ટ પર કરવામાં આવેલા આ હુમલાનો હેતુ ઈરાનની હવાઈ શક્તિને નબળી પાડવાનો હતો. IDF એ કહ્યું કે ઇઝરાયલી વાયુસેનાના વિમાનોને ખતરો ઉભો કરતી શોધ પ્રણાલીઓ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને પણ નિશાન બનાવવામાં આવી હતી.

એરપોર્ટ પર પણ હવાઈ હુમલો

આ હુમલો માત્ર ઇસ્ફહાન પૂરતો મર્યાદિત નહોતો. ઇઝરાયલે દાવો કર્યો કે બે દિવસ પહેલા તેહરાનના મેહરાબાદ એરપોર્ટ પર પણ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. તે હુમલામાં 16 ‘કુડ્સ ફોર્સ’ વિમાનો નાશ કરવામાં આવ્યા હોવાનો દાવો છે. ‘કુડ્સ ફોર્સ’ ઈરાનની ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની વિશેષ ટુકડી માનવામાં આવે છે, જે વિદેશી ઓપરેશન્સ માટે જાણીતી છે.

અસર ગંભીર રહી હોવાનું સ્થાનિક મીડિયા રિપોર્ટો

ઇસ્ફહાન પ્રાંતમાં થયેલા હુમલાની અસર ગંભીર રહી હોવાનું સ્થાનિક મીડિયા રિપોર્ટોમાં જણાવાયું છે. અહેવાલો અનુસાર, ઇસ્ફહાન પ્રાંતમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. કેટલાક રિપોર્ટ મુજબ યુએસ-ઇઝરાયલી લડાકુ વિમાનોએ એક ઉત્પાદન વર્કશોપ અને એક ઘોડેસવારી ક્લબને પણ નિશાન બનાવ્યા હતા. ઇસ્ફહાન ઉપરાંત નજફાબાદ, અરન, બિદગોલ, બરખાર, ખોમેની શહેર, શહરઝા, ફલાવર્જન અને મોબારાકેહ જેવા શહેરો પણ અસરગ્રસ્ત થયા હોવાનું જણાવાયું છે.

એક પરમાણુ ઉર્જા સુવિધા

ઇસ્ફહાન પ્રાંતનું મહત્વ એટલા માટે પણ છે કે ત્યાં એક પરમાણુ ઉર્જા સુવિધા આવેલી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચર્ચાઓ ચાલી રહી હતી. તેથી આ વિસ્તાર પર થયેલો હુમલો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

 તેહરાન અને અલ્બોર્ઝ પ્રાંતમાં તેલ

અહેવાલો અનુસાર, તેહરાન અને અલ્બોર્ઝ પ્રાંતમાં તેલ ડેપો પર પણ ઇઝરાયલી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા ચાર ટેન્કર ડ્રાઇવરોના મોત થયા હોવાનું કહેવાય છે. આ હુમલાઓથી ઈરાનના ઔદ્યોગિક અને સૈન્ય ઢાંચાને મોટું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો અંદાજ છે.

ઈરાનની અંદર ખાસ દળો

અહેવાલ મુજબ, અમેરિકા અને ઇઝરાયલ ઈરાનની અંદર ખાસ દળો મોકલવા અંગે પણ વિચારણા કરી રહ્યા છે, જેથી અત્યંત સમૃદ્ધ યુરેનિયમના ભંડારને કબ્જે કરી શકાય. જોકે, આ પ્રકારની કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો : Israel Iran War : મધ્ય પૂર્વમાં મિસાઇલ યુદ્ધ, 9 દિવસમાં 1,230થી વધુ મોત