પશ્ચિમ એશિયા (West Asia) માં વધી રહેલા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ના સંકટ વચ્ચે સાઉદી અરેબિયાએ મોટો ઉલટફેર કર્યો છે. વર્ષોથી અમેરિકાના સૌથી ખાસ મિત્ર ગણાતા સાઉદી અરેબિયાએ હવે અમેરિકા અને ઈઝરાયેલની સૈન્ય રણનીતિથી અંતર જાળવી લીધું છે. સાઉદી શાહી પરિવારના વરિષ્ઠ સભ્ય પ્રિન્સ તુર્કી અલ-ફૈસલે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ પર ગંભીર આરોપો લગાવીને સનસનાટી મચાવી દીધી છે.
નેતન્યાહુ પર ગંભીર આરોપ
સરકારી અખબાર 'અરબ ન્યૂઝ'માં લખેલા લેખમાં પ્રિન્સ તુર્કીએ દાવો કર્યો છે કે નેતન્યાહુની યોજના સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે સીધો જંગ કરાવીને આખા વિસ્તારને યુદ્ધની આગમાં ધકેલવાની હતી. સાઉદી નેતૃત્વએ આ 'જાળ'માં ફસાવાની ના પાડી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સાઉદી અરેબિયા યુદ્ધના સ્થાને પ્રાદેશિક સંતુલનને પ્રાથમિકતા આપી રહ્યું છે.
અમેરિકાનો ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ નિષ્ફળ
અહેવાલો મુજબ, અમેરિકાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તેલના ટેન્કરોને સુરક્ષા આપવા માટે ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ નામની યોજના બનાવી હતી. આ માટે અમેરિકાને સાઉદીના એરસ્પેસ અને સૈન્ય મથકોની જરૂર હતી. જોકે, સાઉદી અરેબિયાએ આ મદદ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાષ્ટ્રપતિ ટ્રમ્પના મનાવવા છતાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પોતાના નિર્ણય પર અડગ રહ્યા, જેના કારણે અમેરિકાએ આ પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો.
શા માટે સાઉદીએ પાછા હટવું પડ્યું?
સાઉદી અરેબિયા જાણે છે કે જો તે ઈરાન સાથે સીધા યુદ્ધમાં ઉતરે તો તેની અર્થવ્યવસ્થા અને તેલના કુવાઓને ભારે નુકસાન થઈ શકે છે. હૂતી વિદ્રોહીઓ પણ આ જંગમાં કૂદી પડે તો લાલ સમુદ્ર (Red Sea) નો વ્યાપાર માર્ગ પણ બંધ થઈ શકે છે. બીજી તરફ, UAE એ અમેરિકાની રણનીતિને ટેકો આપ્યો છે, જેના કારણે સાઉદી અને UAE વચ્ચેના સંબંધોમાં પણ તિરાડ જોવા મળી રહી છે.
આ પણ વાંચો:Global Economy:ઈરાનનું તેલ ચોરી-છૂપીથી વેચતી 12 કંપનીઓ પર અમેરિકાએ લાદ્યા કડક પ્રતિબંધો!