અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થઇ ગયા છે. પરંતુ ઇઝરાયલ દ્વારા હુમલા કરવાનું યથાવત જોવા મળી રહ્યુ છે. તાજેતરમાં જ ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ દ્વારા હવાઇ હુમલો કરાતા બે બાળકો સહિત 6 લોકોના મોત નીપજ્યા છે. 


રહેણાંક વિસ્તારને નિશાન બનાવ્યું

શનિવારે વહેલી સવારે ગાઝા શહેરમાં એક રહેણાંક એપાર્ટમેન્ટને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે આખી ઈમારત કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. આ હુમલામાં બે બહેનો, ૪ વર્ષની ઝીના અને ૧૪ વર્ષની લાનાએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તેમના પરિજનોએ આઘાત સાથે જણાવ્યું કે કોઈ પણ પૂર્વ ચેતવણી વિના આ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. 

પત્રકારોની સુરક્ષા પર ગંભીર સવાલો

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બીજી તરફ, મધ્ય ગાઝાના બુરેઇજ શરણાર્થી શિબિર પર કરવામાં આવેલા હુમલામાં અલ જઝીરાના કેમેરામેન અહેમદ વિશાહ સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અહેમદ વિશાહના ભાઈ અને અલ જઝીરાના રિપોર્ટર પણ અગાઉ એપ્રિલ મહિનામાં ઈઝરાયલી હુમલામાં શહીદ થયા હતા. આ હુમલાએ પત્રકારોની સુરક્ષા અને યુદ્ધના ભયાનક વાતાવરણ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

એક બાદ એક અનેક વાર કર્યો હુમલો

હુમલાઓનો સિલસિલો અહીં જ અટક્યો નહોતો. દક્ષિણ ગાઝાના મુવાસી વિસ્તારમાં સ્થિત તંબુ શિબિરને પણ નિશાન બનાવવામાં આવી હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું અને આઠ લોકો ઘાયલ થયા હતા. ગાઝા શહેરમાં અન્ય એક હુમલામાં પણ નાગરિકોના જૂથને નિશાન બનાવવામાં આવતા ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાઓ બાદ ઘાયલોને શિફા અને નાસેર હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ગાઝામાં હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા

પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર મહિનામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી થયા બાદ પણ ગાઝામાં હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. સત્તાવાર આંકડા મુજબ, યુદ્ધવિરામ પછીના સમયગાળામાં 1000થી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા છે. સતત થઈ રહેલા આ હવાઈ હુમલાઓએ ગાઝાના સામાન્ય નાગરિકો માટે જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે, અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાઓની આકરી ટીકા થઈ રહી છે. અત્યારે સમગ્ર વિસ્તાર ભય અને અનિશ્ચિતતાના માહોલમાં ડૂબેલો છે, જ્યાં સામાન્ય માનવીનું જીવન સતત જોખમમાં છે.

આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: મોંઘવારી વચ્ચે રાહતની આશા, ઈંધણના ભાવ સ્થિર, જાણો લેટેસ્ટ રેટ

  • Follow us on: