પશ્ચિમ એશિયામાં મહાયુદ્ધની શરૂઆત થઈ ચૂકી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા આજે પૂર્ણ થઈ રહી છે, ત્યારે ઈઝરાયલે ઈરાનના નાગરિકો માટે એક અત્યંત ડરામણી એડવાઈઝરી જાહેર કરી છે. ઈઝરાયલી સૈન્યએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આગામી 12 કલાક સુધી ઈરાની નાગરિકો ટ્રેન કે રેલવે સ્ટેશનની આસપાસ ન જાય, કારણ કે આ આખું નેટવર્ક હવે તેમના નિશાના પર છે.

રેલવે લાઈનો પર સર્જિકલ સ્ટ્રાઈકનો ખતરો

ઈઝરાયલી સૈન્યની પર્શિયન ભાષાની સોશિયલ મીડિયા ચેનલે 'X' પર એક તાત્કાલિક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં ઈરાની મુસાફરોને સંબોધતા લખવામાં આવ્યું છે કે, "તમારી સલામતી માટે, આજે રાત્રે 9 વાગ્યા સુધી (ઈરાન સમય મુજબ) કોઈપણ વ્યક્તિ ટ્રેનનો ઉપયોગ ન કરે. ટ્રેનો અને રેલવે લાઈનોની નજીક તમારી હાજરી તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે." આ ચેતવણી સૂચવે છે કે ઈઝરાયલ ઈરાનના પરિવહન માળખાને સંપૂર્ણપણે તોડી પાડવા માટે મોટા પાયે હવાઈ હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે.

https://twitter.com/IDFFarsi/status/2041385577287663833

ઈરાનનો દાવો,1.4 કરોડ સ્વયંસેવકો લડવા તૈયાર

બીજી તરફ, ઈરાને પણ મનોવૈજ્ઞાનિક યુદ્ધ શરૂ કર્યું છે. ઈરાની સ્ટેટના અહેવાલ મુજબ, અમેરિકા અને ઈઝરાયલના જમીની આક્રમણનો સામનો કરવા માટે દેશના આશરે 1.4 કરોડ (14 મિલિયન) લોકોએ સ્વૈચ્છિક રીતે સેનામાં જોડાવાની તૈયારી બતાવી છે. થોડા દિવસો પહેલા આ આંકડો 70 લાખ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જે હવે બમણો થઈ ગયો છે. 9 કરોડની વસ્તી ધરાવતા ઈરાનમાં આટલી મોટી સંખ્યામાં લોકોનું લડવા માટે આગળ આવવું એ મોટી ઘટના છે, જોકે આ આંકડાઓની સત્યતા પર નિષ્ણાતો શંકા વ્યક્ત કરી રહ્યા છે.

આંતરિક અસ્થિરતા અને યુદ્ધનો ડર

ઈરાન અત્યારે બેવડા સંકટમાં છે. એક તરફ બહારથી યુદ્ધનો ખતરો છે, તો બીજી તરફ જાન્યુઆરીમાં થયેલા વિરોધ પ્રદર્શનો પર સરકારે કરેલી લોહિયાળ કાર્યવાહીને કારણે જનતામાં આક્રોશ છે. હજારો લોકોના મોત અને ધરપકડ બાદ ઈરાની શાસન હવે રાષ્ટ્રવાદના નામે જનતાને એકઠી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ