જાપાનના ગુનમા પ્રાંતમાં કાન-એત્સુ એક્સપ્રેસવે પર શુક્રવારની મોડીરાત્રે ભીષણ માર્ગ અકસ્માત થયો. ભારે હિમવર્ષા દરમિયાન અનેક વાહનો એકબીજા સાથે અથડાયા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા બે લોકોનાં મોત થયા અને 26 અન્ય લોકો ઘાયલ થયા. વર્ષના અંતની રજાઓ દરમિયાન દેશમાં વધતી વાહન વ્યવહારની ભીડ વચ્ચે આ ઘટના બની હોવાથી તે વધુ ભયાનક બની ગઈ.પોલીસ મુજબ, ગુનમા પ્રાંતના મિનાકામી શહેરમાં ભારે બરફ પડવાને કારણે બે ટ્રકો પહેલા એકબીજા સાથે અથડાઇ. પ્રથમ દુર્ઘટના બાદ પછી એક્સપ્રેસવેનો એક ભાગ બંધ થઈ ગયો, જેના કારણે પાછળથી આવતા વાહનોને નીચે ઢોળાવ વાળા રોડ પર અટકવામાં મુશ્કેલી પડી અને કુલ 67 વાહનો અસરગ્રસ્ત થઈ એકબીજા સાથે અથડાયા.


2 વ્યક્તિઓના મોત

આ અકસ્માતને કારણે ભયંકર આગ પણ લાગી, જેમાં આશરે 20 વાહનો બળી ગયા. આગ કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડને સાત કલાક સુધી ભારે મહેનત કરવી પડી. પોલીસે જણાવ્યું કે મૃતકોમાં ટોક્યોની 77 વર્ષીય એક મહિલા પણ સામેલ છે, જે એક પેસેન્જર કારમાં સવાર હતી. સાથે જ એક ટ્રક ડ્રાઈવરનો મૃતદેહ પણ મળી આવ્યું છે. ઘાયલ થયેલા 26 લોકોમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે અને તેમનો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ભારે હિમવર્ષાની ચેતવણી જાહેર કરી

હવામાન વિભાગે અકસ્માત સમયે આ વિસ્તારમાં ભારે હિમવર્ષાની ચેતવણી જાહેર કરી હતી. આ અકસ્માત નવા વર્ષ અને વર્ષાંતની રજાઓ દરમિયાન થયો, જ્યારે માર્ગ પર વાહન વ્યવહાર ચરમ પર હોય છે. અકસ્માતના કારણે કાન-એત્સુ એક્સપ્રેસવેના કેટલાક ભાગો શનિવારે પણ બંધ રહ્યા, જ્યારે પોલીસ તપાસ અને રસ્તાની સફાઈનું કામ જોરશોરથી ચાલુ કર્યુ છે.

આ પણ વાંચોઃ Russia-Ukraine conflict: ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા ઝેલેન્સ્કીએ NATO અને EU નેતાઓ સાથે કરી વાતચીત


  • Follow us on: