જાપાનની રાજધાની ટોક્યોમાં શુક્રવારે સવારે એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં એક પ્રાથમિક શાળામાં લાગેલી ભીષણ આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના ટોક્યોના કિટા વોર્ડમાં આવેલી 'તાકિનોગાવા દૈસન પ્રાથમિક શાળા'માં બની હતી. સદનસીબે, સમયસરના બચાવ અભિયાનને કારણે તમામ ૩૩૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.


ચાર માળની ઇમારતમાં લાગી ભીષણ આગ

સવારે ૧૧ વાગ્યાની આસપાસ શાળાની ચાર માળની ઇમારતના ઉપરના માળે આગ લાગી હતી. પ્રારંભિક માહિતી મુજબ, સંગીત ખંડની નજીકના એક રૂમમાં આગ લાગી હતી, જે જોતજોતામાં ૨૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. શાળાની બારીઓમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટાએ આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાવી દીધો હતો. ઘટનાસ્થળે પહોંચેલા ટોક્યો ફાયર વિભાગના જવાનોએ ત્વરિત કાર્યવાહી કરીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

બાળકો અને શિક્ષકોને શાળામાંથી સુરક્ષિત બહાર કઢાયા 

આગની જાણ થતાં જ મોટાભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળામાંથી બહાર નીકળી નજીકના પાર્કમાં સુરક્ષિત પહોંચી ગયા હતા. જોકે, કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઇમારતની અંદર ફસાઈ ગયા હતા, જેમને ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં કુલ ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં સાત વિદ્યાર્થીઓને ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, એક વિદ્યાર્થી સ્થળાંતર દરમિયાન પડી જવાથી ઘાયલ થયો હતો અને બે શિક્ષકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સદનસીબે, તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે અને કોઈને જીવનું જોખમ નથી

પ્રાથમિક તપાસના આપ્યા આદેશ

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘટના સમયે પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ મ્યુઝિક ક્લાસમાં હતા. તપાસ એજન્સીઓ અત્યારે આગ લાગવાના ચોક્કસ કારણોની શોધ કરી રહી છે. સંગીત વર્ગની બાજુના રૂમમાં આગ કઈ રીતે શરૂ થઈ અને તેમાં કોઈ ખામી હતી કે કેમ, તે દિશામાં તપાસ આગળ વધી રહી છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શાળાની ઈમારતની સલામતી વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Diesel car માં ઇથેનોલ ફ્યુઅલ ભરી દીધું તો? શું એન્જિન જલ્દી બગડી જશે! જાણો બધુ જ

  • Follow us on: