ઓસ્ટ્રેલિયા અને જાપાને શનિવારે એક મોટા સંરક્ષણ કરાર પર કોન્ટ્રાક્ટ સાઈન કર્યા છે. આ અંદાજે 10 અબજ ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 7 અબજ અમેરિકી ડોલર)નો યુદ્ધજહાજ સોદો છે. 2014માં જાપાન દ્વારા સૈન્ય નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ આ તેનો સૌથી મોટો સંરક્ષણ સોદો માનવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી રિચર્ડ માર્લ્સ અને જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમીએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશોએ જણાવ્યું કે તેઓ આ પ્રોજેક્ટને સફળ બનાવવા અને સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરશે.
ત્રણ જહાજો જાપાનમાં તૈયાર થશે
આ ડીલ હેઠળ જાપાનની કંપની મિત્સુબિશી હેવી ઈન્ડસ્ટ્રીઝ ઓસ્ટ્રેલિયાની નૌકાદળ (રોયલ ઓસ્ટ્રેલિયન નેવી) ને કુલ 11 આધુનિક યુદ્ધજહાજો આપશે. જેમાંથી 3 મોગામી-ક્લાસ મલ્ટી-રોલ ફ્રિગેટ 2029 થી જાપાનમાં બનાવવામાં આવશે, જ્યારે બાકીના 8 જહાજો ઓસ્ટ્રેલિયામાં બનશે. શરૂઆતમાં ત્રણ જહાજો જાપાનમાં તૈયાર થશે, ત્યારબાદ નિર્માણનું કામ ઓસ્ટ્રેલિયાના પર્થ પાસેના હેન્ડરસન શિપયાર્ડમાં કરવામાં આવશે. આનાથી ઓસ્ટ્રેલિયા પોતાની સંરક્ષણ નિર્માણ ક્ષમતા પોતાના જ દેશમાં વધારી શકશે. આ યુદ્ધજહાજો અનેક પ્રકારના કાર્યો કરી શકે છે. તે દુશ્મનની સબમરીનને શોધવા અને ખતમ કરવા, સમુદ્રમાં દુશ્મનના જહાજો પર હુમલો કરવા અને હવાઈ હુમલાઓથી બચાવ કરવા માટે સક્ષમ હશે.













