છેલ્લા 54 વર્ષોમાં પહેલીવાર જાપાનનું કોઈ ચિડિયાઘર પાંડા વિનાનું જોવા મળશે. જાપાનના ટોક્યોમાં આવેલા ઉએનો ચિડિયાઘરના બે લાડકા પાંડા, જિઓ જિઓ અને લેઈ લેઈ, મંગળવારે ચીન પરત જઈ રહ્યા છે. રવિવારે હજારો જાપાની નાગરિકો આ જોડિયા પાંડાઓને છેલ્લી વખત જોવા માટે ઉમટી પડ્યા હતા, જ્યાં ઘણા લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.
શું છે પાંડા ડિપ્લોમસી ?
આ વાર્તા 1972માં શરૂ થઈ હતી. જ્યારે ચીન અને જાપાન વચ્ચે ભારે તણાવ હતો, ત્યારે સંબંધો સુધારવા માટે ચીને 'કાંગ કાંગ' અને 'લાન લાન' નામના બે પાંડા જાપાનને ભેટમાં આપ્યા હતા. તેને 'પાંડા ડિપ્લોમસી' કહેવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય પ્રાણીઓ પ્રત્યેના પ્રેમના બહાને દેશો વચ્ચેના મનભેદ ઘટાડવાનો હતો. જાપાનના તત્કાલીન વડાપ્રધાન કાકુઈ તાનાકાએ ત્યારે ચીનના તાઇવાન પરના દાવાને માન્યતા આપીને આ મિત્રતાની શરૂઆત કરી હતી.
કેમ પરત જઈ રહ્યા છે આ પાંડા?
ચીનની નીતિ મુજબ, દુનિયાના કોઈપણ ખૂણે જન્મેલા પાંડા પર કાયદેસરનો હક ચીનનો જ હોય છે. ચીન આ પાંડાઓને અન્ય દેશોને 'લીઝ' (ભાડા) પર આપે છે. જિઓ જિઓ અને લેઈ લેઈનો જન્મ 2021માં જાપાનમાં જ થયો હતો, પરંતુ કરાર મુજબ તેમનો સમય પૂરો થતા હવે તેમને ચીન મોકલવામાં આવી રહ્યા છે.
સંબંધોમાં કડવાશ અને ભવિષ્યની ચિંતા
સામાન્ય રીતે, જૂના પાંડા પરત જાય ત્યારે ચીન નવા પાંડા મોકલતું હોય છે, પરંતુ આ વખતે તેવી શક્યતા ઘણી ઓછી છે. હાલમાં ચીન અને જાપાન વચ્ચેના રાજદ્વારી સંબંધો છેલ્લા ઘણા વર્ષોના સૌથી નીચા સ્તરે છે. દરિયાઈ સીમાના વિવાદો અને વૈશ્વિક રાજનીતિના કારણે બંને દેશો વચ્ચે અંતર વધ્યું છે.
એક સાંસ્કૃતિક સેલિબ્રિટીની વિદાય
જાપાન માટે આ માત્ર પ્રાણીઓની વિદાય નથી, પરંતુ એક સાંસ્કૃતિક સેલિબ્રિટીની વિદાય છે. પાંડા પ્રવાસન દ્વારા જાપાનને જે આર્થિક ફાયદો થતો હતો, તે હવે બંધ થશે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ 'પાંડા ડિપ્લોમસી' નો અંત બંને દેશો વચ્ચેના વધતા જતા તણાવનો સંકેત છે?
