અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને ડામવા માટે રાજદ્વારી પ્રયાસો તેજ થયા છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ મંગળવારે પાકિસ્તાનના ઇસ્લામાબાદ પહોંચશે. આ બેઠક એટલા માટે મહત્વની છે કારણ કે 8 એપ્રિલથી શરૂ થયેલું બે અઠવાડિયાનું સીઝફાયર આગામી 22 એપ્રિલના પૂર્ણ થઈ રહ્યું છે.


પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કીનું દબાણ

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામનેઈએ લાંબી ખેંચતાણ બાદ શાંતિ વાટાઘાટોમાં ડેલિગેશન મોકલવાની મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે ઈરાનની અંદર આ મુદ્દે ભારે વિવાદ હતો. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ઈચ્છતું હતું કે જ્યાં સુધી અમેરિકા પ્રતિબંધો ન હટાવે ત્યાં સુધી કોઈ વાતચીત ન થાય, પરંતુ પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કીના દબાણ બાદ ઈરાન નમતું જોખવા તૈયાર થયું છે.

ટ્રમ્પની આકરી ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો 22 એપ્રિલ સુધીમાં કોઈ ચોક્કસ સમજૂતી નહીં થાય, તો ઈરાન પર ફરીથી બોમ્બમારો શરૂ કરવામાં આવશે. જોકે, નિષ્ણાતો માને છે કે જો વાટાઘાટોમાં સકારાત્મક વલણ દેખાશે તો ટ્રમ્પ સીઝફાયરની મુદત લંબાવી શકે છે.

ટીમમાં કોણ હશે?

આ મહત્વની શાંતિ વાટાઘાટોમાં જેડી વેન્સની સાથે ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર પણ હાજર રહે તેવી શક્યતા છે. હવે સમગ્ર વિશ્વની નજર બુધવારે યોજાનારી આ બેઠક પર છે.

આ પણ વાંચો: Tehran Islamabad Talk: ઇરાનને મનાવવા માટે પાકિસ્તાનના પ્રયાસ યથાવત્, જાણો ઈસ્લામાબાદમાં કેવો છે માહોલ?

  • Follow us on: