એમેઝોનના માલિકના શાહી લગ્ન યોજાઇન રહ્યા છે. આ લગ્નમાં દુનિયાભરની પ્રખ્યાત હસ્તીઓ હાજરી આપશે. મહેમાનોની યાદીમાં બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, ઇવાન્કા ટ્રમ્પ, જેરેડ કુશનર, લિયોનાર્ડો ડીકેપ્રિયો, કિમ કાર્દાશિયન, કેટી પેરી, ડાયેન વોન ફર્સ્ટેનબર્ગ અને એલોન મસ્ક જેવા નામો શામેલ છે. આ બધા મહેમાનો ગુરુવારથી લગ્ન સ્થળ વેનિસ આવવાનું શરૂ કરશે. એમેઝોનના માલિક અને વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ બીજી વખત તેમની પ્રેમિકા લોરેન સાંચેઝ સાથે લગ્ન કરશે. આ લગ્ન ઇટાલીના સુંદર શહેર વેનિસમાં યોજાવાના છે. જેને 'સદીના સૌથી ભવ્ય લગ્ન' કહેવામાં આવી રહ્યા છે


સદીના સૌથી ભવ્ય લગ્ન

61 વર્ષના જેફ બેઝોસ અને તેમની મંગેતર 55 વર્ષની લોરેન સાંચેઝ આ અઠવાડિયે વેનિસમાં લગ્નગ્રંથિથી જોડાશે. આ લગ્ન 24 થી 28 જૂન 2025 દરમિયાન યોજાશે અને તેને અત્યંત ભવ્ય બનાવવા માટે કોઈ કસર છોડવામાં આવી નથી. આ મેગા ઇવેન્ટમાં બિઝનેસ, રાજકારણ, હોલીવુડ અને ફાઇનાન્સની દુનિયાના 200-250 VIP મહેમાનો હાજરી આપશે. પરંતુ આ ભવ્ય ઇવેન્ટથી વેનિસના લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. શરૂઆતમાં જેફ બેઝોસે તેમના લગ્ન માટે વેનિસના કેનારેજિયો વિસ્તારમાં સ્કુઓલા ગ્રાન્ડે ડેલા મિસેરીકોર્ડિયા પસંદ કર્યું હતું. આ એક મધ્યયુગીન ધાર્મિક શાળા છે, જે તેની ઐતિહાસિક સુંદરતા માટે જાણીતી છે. પરંતુ સ્થાનિક લોકોને તેની જાણ થતાં જ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા.

લગ્ન માટે 400 કરોડનો ખર્ચ

આ મેગા ઇવેન્ટ પર 48 મિલિયન યુરો એટલે કે 55.69 મિલિયન ડોલર એટલે કે 400 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થવાનો અંદાજ છે. મહેમાનોને લઈ જવા માટે 90 ખાનગી જેટ વેનિસ, ટ્રેવિસો અને વેરોના એરપોર્ટ પર ઉતરશે. આ ઉપરાંત, મહેમાનોને શહેરના નહેરો દ્વારા આર્સેનલ લઈ જવા માટે 30 વોટર ટેક્સીઓ બુક કરવામાં આવી છે. લગ્નમાં મહેમાનોના રોકાણ માટે વેનિસની સૌથી વૈભવી હોટલો બુક કરવામાં આવી છે.

લોરેન સાંચેઝ પહેરશે 12 કરોડ રૂપિયાનો લહેંગા

લોરેન સાંચેઝનો લગ્નનો લહેંગા પણ ચર્ચામાં છે. તેમના લગ્નના પોશાક પર લગભગ 1.5 મિલિયન ડોલર ખર્ચ કરવામાં આવ્યા છે. આ લહેંગા એટલો ખાસ છે કે તેને આ લગ્નની સૌથી મોટી ખાસીયતોમાંનો એક માનવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, જેફે લોરેનને સગાઈમાં 3-5 મિલિયન ડોલરની ગુલાબી હીરાની વીંટી આપી હતી. જે પહેલાથી જ આકર્ષણનું કેન્દ્ર બની છે. લોરેન સાંચેઝ એક પ્રખ્યાત મીડિયા વ્યક્તિત્વ, ન્યૂઝ એન્કર અને નિર્માતા છે. 55 વર્ષીય લોરેન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 3 લાખથી વધુ છે. 

  • Follow us on: