US ન્યાય વિભાગે સોમવારે મહત્વપૂર્ણ પગલું ભરતાં જેફરી એપ્સ્ટેઇન સંબંધિત અનસંપાદિત દસ્તાવેજો કોંગ્રેસના સભ્યો માટે સમીક્ષા માટે ખુલ્લા મૂક્યા છે. અગાઉ જાહેર કરવામાં આવેલા રેકોર્ડમાં ઘણા નામો અને વિગતો કાપી નાખવામાં આવી હતી, જેને કારણે કાયદા નિર્માતાઓમાં અસંતોષ ફેલાયો હતો. આ મુદ્દે પારદર્શિતા જાળવવા માટે નવેમ્બરમાં "એપ્સ્ટેઇન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ (EFTA)" પસાર કરવામાં આવ્યો હતો.
તમામ દસ્તાવેજો જાહેર કરવાની ફરજ
આ કાયદા મુજબ, ન્યાય વિભાગને એપ્સ્ટેઇન કેસ સંબંધિત તમામ દસ્તાવેજો જાહેર કરવાની ફરજ પડી હતી. જોકે, અગાઉ પ્રકાશિત કરેલી ફાઇલોમાં કેટલીક માહિતી સંપાદિત (Redacted) કરવામાં આવી હતી. ખાસ કરીને ઇમેઇલ મોકલનારાઓના નામો અને કેટલીક વ્યક્તિગત વિગતો છુપાવવામાં આવી હતી.
એપ્સ્ટેઇનના ભોગ બનેલા લોકોની સંખ્યા 1,000થી વધુ
FBIના અંદાજ પ્રમાણે, એપ્સ્ટેઇનના ભોગ બનેલા લોકોની સંખ્યા 1,000થી વધુ હોઈ શકે છે. પીડિતોના હિતોને સુરક્ષિત રાખવા અને તેમની ઓળખ જાહેર ન થાય તે માટે એજન્સીએ કેટલીક માહિતી ગુપ્ત રાખી હતી. સાથે જ, સરકારી અધિકારીઓ, સેલિબ્રિટીઓ અને વિદેશી મહાનુભાવોના નામ જાહેર થવાથી રાજકીય અને સામાજિક અસર પડી શકે તેવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
રિપ્રેઝન્ટેટિવ્સના ઘણા સભ્યોએ પ્રશ્નો ઉઠાવ્યા
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ઘણા સભ્યોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા કે જાહેર કરાયેલા દસ્તાવેજોમાં શા માટે સુધારાઓ કરવામાં આવ્યા. કેલિફોર્નિયાના ડેમોક્રેટ પ્રતિનિધિ રો ખન્નાએ ખાસ કરીને આ મુદ્દે અવાજ ઉઠાવ્યો. તેમણે તેમના સોશિયલ મીડિયા પેજ પર ઉદાહરણ આપતાં જણાવ્યું કે 17 જાન્યુઆરી, 2013 અને 11 માર્ચ, 2014ના રોજ મોકલાયેલા ઇમેઇલમાં મોકલનારાનું નામ છુપાવવામાં આવ્યું હતું.
મામ સંબંધિત નામો અને માહિતી સ્પષ્ટ
ખન્ના અને અન્ય સભ્યોનું કહેવું છે કે જો પારદર્શિતા જાળવવાની હોય તો તમામ સંબંધિત નામો અને માહિતી સ્પષ્ટ રીતે જાહેર થવી જોઈએ, સિવાય કે તે પીડિતોના સુરક્ષા હિતમાં હોય. તેમના મત મુજબ, અડધા-અધૂરા ખુલાસા લોકોમાં વધુ શંકા ઊભી કરે છે. ન્યાય વિભાગે હવે અનસંપાદિત ફાઇલો કોંગ્રેસના સભ્યોને સમીક્ષા માટે ઉપલબ્ધ કરાવી છે, પરંતુ આ દસ્તાવેજો સંપૂર્ણ રીતે જાહેર જનતા માટે ઉપલબ્ધ થશે કે નહીં તે અંગે હજી સ્પષ્ટતા નથી.
લોકો માંગ કરી રહ્યા છે કે કેસ સંબંધિત તમામ સત્ય બહાર લાવો
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર અમેરિકાની ન્યાય પ્રણાલી અને પારદર્શિતાને લઈને ચર્ચા ઊભી કરી છે. લોકો માંગ કરી રહ્યા છે કે કેસ સંબંધિત તમામ સત્ય બહાર આવવું જોઈએ જેથી ન્યાય પ્રણાલી પર વિશ્વાસ જળવાઈ રહે. એપ્સ્ટેઇન કેસ લાંબા સમયથી વિવાદોમાં રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે અનસંપાદિત ફાઇલોમાંથી શું નવા ખુલાસા થાય છે અને તે અમેરિકન રાજકીય અને સામાજિક પરિસ્થિતિ પર શું અસર કરે છે.
આ પણ વાંચો : Canada school shooting : કેનેડાની શાળામાં ગોળીબારની ઘટના, 9 લોકોના મોત, હુમલો કરનાર પણ ઠાર