કેન્યામાં એક ધાર્મિક નેતાને 191 લોકોની હત્યાના ગુનામાં 200 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ધાર્મિક નેતાનું નામ 400થી વધુ લોકોના મોત સાથે જોડાયેલા કેસમાં પણ સામે આવ્યું છે.
કેન્યાના દરિયાકાંઠાના શહેર મોમ્બાસાની હાઈકોર્ટે પાસ્ટર પૉલ મેકેન્ઝીને આ સજા સંભળાવી છે. તેને 190 બાળકો અને એક પુખ્ત વ્યક્તિની હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો છે.
પાસ્ટર પૉલ મેકેન્ઝીએ પોતાના અનુયાયીઓને સલાહ આપી હતી કે જો તેઓ ઈસુ ખ્રિસ્તને મળવા ઇચ્છતા હોય, તો તેમણે ભૂખ્યા રહીને પોતાનો જીવ આપી દેવો જોઈએ.
પૉલ મેકેન્ઝી અને તેના 28 અનુયાયીઓ સામે આ મામલે આરોપો મૂકવામાં આવ્યા હતા. આ આરોપીઓમાં એવા સુરક્ષાકર્મીઓ પણ સામેલ હતા, જેઓ ઉપવાસ કરવાના આદેશોનું બળજબરીથી પાલન કરાવતા હતા. આ ઉપરાંત, સામૂહિક કબરો ખોદનારા અને મૃતદેહોને દફનાવીને કબરો છુપાવવામાં મદદ કરનારા લોકોનો પણ તેમાં સમાવેશ થતો હતો.
191 લોકોની હત્યાનો દોષી
આ કેસમાં માત્ર એક વ્યક્તિએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને સજા ઘટાડવાની અપીલ કરી હતી, જ્યારે અન્ય તમામ આરોપીઓએ તેમના પર લાગેલા આરોપો નકારી કાઢ્યા હતા. 19 ઓક્ટોબરે કોર્ટે તમામ 29 આરોપીઓને 191 લોકોની હત્યાના ગુનામાં દોષી ઠેરવ્યા હતા.
વર્ષ 2023માં દરિયાકાંઠાના કિલિફી કાઉન્ટીમાં આવેલી 800 એકર વિસ્તારમાં ફેલાયેલી ચાકામા રેન્ચની કબરોમાંથી 400થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. અહીં મેકેન્ઝીના અનુયાયીઓ સ્થાનિક સમુદાયો અને સરકારી અધિકારીઓની નજરથી દૂર માટીથી બનેલાં ઘરોમાં રહેતા હતા.
'પોતાનાં બાળકોને ભૂખ્યાં રાખીને મારી નાખો'
વકીલોના જણાવ્યા અનુસાર, મેકેન્ઝી અને તેના ગુડ ન્યૂઝ ઇન્ટરનેશનલ ચર્ચે ખ્રિસ્તી ધર્મના પ્રલયના દિવસની માન્યતા ધરાવતું એક જૂથ બનાવ્યું હતું. આ જૂથમાં તેણે પોતાના અનુયાયીઓને આદેશ આપ્યો હતો કે દુનિયાનો અંત આવે તે પહેલાં સ્વર્ગમાં પહોંચવા માટે તેઓ પોતે અને પોતાનાં બાળકોને ભૂખ્યાં રાખે.
સામૂહિક કબરો મળી આવ્યા બાદથી આ મામલો કેન્યામાં ચર્ચાનો વિષય બન્યો છે.
કોર્ટે મેકેન્ઝીની દલીલ ફગાવી
આ ઘટનાથી સવાલ ઊભો થયો હતો કે વર્ષ 2017થી પોલીસની નજરમાં હોવા છતાં મેકેન્ઝી પોતાની પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલુ રાખી શક્યો? તે સમયે પોલીસે તેના ઠેકાણાં પર તપાસ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, વર્ષ 2019માં અધિકારીઓએ મેકેન્ઝીનું ચર્ચ બંધ કરાવી દીધું હતું, ત્યારબાદ તે શાકાહોલા જંગલમાં રહેવા ગયો હતો. મેકેન્ઝીએ હત્યાના આરોપો નકારી કાઢતાં દલીલ કરી હતી કે તેણે પીડિતોને ભૂખે મરવા માટે મજબૂર કર્યા નહોતા. જોકે, કોર્ટે તેની આ દલીલ ફગાવી દીધી હતી.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d