દુનિયાની દિગ્ગજ ફૂડ કંપની નેસ્લે અત્યારે એક અજીબોગરીબ ચોરીના કેસનો સામનો કરી રહી છે. યુરોપમાં ટ્રાન્ઝિટ દરમિયાન કંપનીની સૌથી લોકપ્રિય પ્રોડક્ટ કિટકેટ ચોકલેટનો આખો ટ્રક જ ગાયબ થઈ ગયો છે. આ ઘટનાને કારણે Nestlé KitKat Theft અત્યારે વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની છે. અંદાજે 12 ટન વજન ધરાવતી આ ચોકલેટની ખેપ ગાયબ થતા કંપનીએ તપાસના આદેશ આપ્યા છે.

KitKat ચોરીની ફિલ્મી ઘટના

નેસ્લેના જણાવ્યા અનુસાર, અંદાજે 4,13,793 યુનિટ કિટકેટ ચોકલેટથી ભરેલો એક ટ્રક પ્રોડક્શન યુનિટથી ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર  તરફ જઈ રહ્યો હતો, પરંતુ તે ગંતવ્ય સ્થાન સુધી પહોંચ્યો જ નથી. આ ટ્રક સેન્ટ્રલ ઈટાલીથી (Italy) પોલેન્ડ (Poland) તરફ જઈ રહ્યો હતો અને રસ્તામાં જ લાપતા થઈ ગયો છે. કંપનીએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે ટ્રક ચોક્કસ કયા સ્થળેથી ગાયબ થયો છે, પરંતુ સમગ્ર યુરોપમાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

સપ્લાય ચેઈન પર અસર

આ લૂંટનો સમય ઘણો ગંભીર છે કારણ કે ટૂંક સમયમાં ઈસ્ટરનો (Easter) તહેવાર આવી રહ્યો છે. ઈસ્ટર દરમિયાન ચોકલેટની માંગમાં ધરખમ ઉછાળો જોવા મળતો હોય છે. નેસ્લેએ ચેતવણી આપી છે કે આટલી મોટી સંખ્યામાં પ્રોડક્ટ્સ ગાયબ થવાથી બજારમાં કિટકેટની અછત સર્જાઈ શકે છે. આ ઉપરાંત, કંપનીને ડર છે કે ચોરાયેલો જથ્થો અનઓફિશિયલ ગ્રે માર્કેટમાં (Gray Market) સસ્તા ભાવે વેચાઈ શકે છે.

બેચ કોડ દ્વારા ટ્રેકિંગ

ચોરાયેલા માલને પકડવા માટે નેસ્લેએ હાઈ-ટેક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. દરેક કિટકેટ બાર પર એક યુનિક બેચ કોડ (Batch Code) હોય છે. કંપનીએ સ્થાનિક વહીવટીતંત્ર અને સપ્લાય પાર્ટનર્સને એલર્ટ કર્યા છે કે જો ક્યાંય પણ શંકાસ્પદ સ્ટોક જોવા મળે, તો આ બેચ કોડ દ્વારા તેની ખરાઈ કરી શકાય છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે માલસામાનની હેરાફેરી કરતી લોજિસ્ટિક્સ (Logistics) કંપનીઓની સુરક્ષા વ્યવસ્થા સામે પણ મોટા પ્રશ્નો ઊભા કર્યા છે.

આ પણ વાંચો- World News : ફ્રાન્સના રાષ્ટ્રપતિને મળ્યા વિદેશમંત્રી એસ. જયશંકર, આ મુદ્દાઓ પર કરી ચર્ચા