હાલ દુનિયાના મોટા ભાગના શક્તિશાળી દેશો પોતાના દેશની સુરક્ષા અને વિશ્વ ફલકમાં એક મહાન દેશની ગંભીર છાપ છોડવા માટે સતત પરમાણુ હથિયારો બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ પરમાણુ શક્તિ માટે જે યુરેનિયમનો ઉપયોગ થાય છે એ વિશ્વમાં સૌથી વધારે એક એવા દેશ પાસે છે જેના વિશે સાંભળીને ખરેખર આશ્ચર્ય થાય.
ઓસ્ટ્રેલિયા પાસે છે સૌથી મોટો યુરેનિયમ ભંડાર
એક તરફ રશિયા અને યુક્રેન એક બીજાને પરમાણુ બોમ્બના હુમલા કરવાની ધમકી આપે છે, એક તરફ ઈરાન-ઈઝરાયલ એક બીજાને પરમાણુ બોમ્બ ફેંકીને ફૂંકી દેવાની ધમકી આપે છે. આ બધુ તો ઠીક પાકિસ્તાન જેવો પાયમાલ દેશ પણ પરમાણુ બોમ્બની વાતો કરતો હોય એવામાં એક દેશ એવો છે જે દુનિયામાં સૌથી મોટો યુરેનિયમ ભંડાર લઈને બેઠો છે પણ પોતે પરમાણુ શસ્ત્રો બનાવતો નથી. આખી દુનિયાને ખબર છે કે જે દેશ પાસે યુરેનિયમ ભંડાર હોય એ જ આજની તારીખે સૌથી મોટી પરમાણુ શક્તિ બની શકે છે ત્યારે સવાલ એ થાય કે ઓસ્ટ્રેલિયા કેમ શસ્ત્રો બનાવતુ નથી.
ઓસ્ટ્રેલિયા કેમ પરમાણુ શસ્ત્રો નથી બનવાતું?
જે દેશ પાસે વિશ્વમાં સૌથી વધારે યુરેનિયમનો ભંડાર રહેલો હોય છતાં પણ જો તે દેશ પરમાણુ શસ્ત્રો બનાવવામાં રસ ન દાખવે ત્યારે ચોક્કસથી સવાલ થાય કે આનું શું કારણ? હાલ ઓસ્ટ્રેલિયા પાસે તેના ભંડારમાં 1.68 મિલિયન ટન યુરેનિયમ રહેલું છે. જો આની સરેરાશ કાઢીએ તો સમગ્ર વિશ્વના યુરેનિયમનો લગભગ એક તૃતીયાંશ ભાગ હાલ એકલા ઓસ્ટ્રેલિયા પાસે છે, પરંતુ ઓસ્ટ્રેલિયા આ કિંમતી ધાતુનો વ્યાપાર કરે છે આ યુરેનિયમમાંથી તેની 17% ઊર્જા નિકાસ કરે છે, મતલબ કે તે આ કિંમતી ધાતુ અન્ય દેશોને ઊંચી કિંમતે વેચે છે.
ઓસ્ટ્રેલિયા પાસે યુરેનિયમની ખાણો
ઓસ્ટ્રેલિયા પાસે હાલ યુરેનિયમ કાઢવા માટે મુખ્ય ત્રણ ખાણો રહેલી છે જેમાંથી તે અન્ય દેશોને આ કિંમતી ધાતુની નિકાસ કરે છે. ઓસ્ટ્રેલિયામાં ઓલિમ્પિક ડેમ, હનીમૂન અને બેવરલી-ફોર માઇલ નામક ખીણોમાંથી આ ધાતુ કાઢવામાં આવે છે. હાલની તારીખે આ ત્રણ માંથી ફક્ત ઓલિમ્પિક ડેમ અને ફોર માઇલ ખાણો કાર્યરત છે. એક રિપોર્ટ મુજબ ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2022માં 4,553 ટન યુરેનિયમનું ઉત્પાદન કર્યું હતું. આ ઉત્પાદનનો ઉપયોગ નિકાસમાં કરીને ઓસ્ટ્રેલિયાએ પોતાના દેશને આર્થિક રીતે વધારે મજબૂત બનાવ્યો છે.