પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને રોકવા માટે લાગુ કરાયેલું સીઝફાયર (યુદ્ધવિરામ) સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ગુરુવારે કુવૈતે સત્તાવાર રીતે દાવો કર્યો છે કે તેની સરહદમાં ભીષણ મિસાઈલ અને આત્મઘાતી ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. આ સનસનાટીપૂર્ણ દાવા બાદ સમગ્ર ખાડી દેશોમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. કુવૈત આર્મીએ હુમલાની પુષ્ટિ કરી છે, જો કે કયા સૈન્ય કે નાગરિક ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે તેની વિગતો ગુપ્ત રાખી છે. ચોંકાવનારી વાત એ છે કે, ઘટનાના થોડા જ કલાકોમાં ઈરાને આ વિસ્તારમાં હુમલો કર્યો હોવાની વાત સ્વીકારી છે, પણ લોકેશન જાહેર કર્યું નથી.
શા માટે કુવૈત બન્યું નિશાન?
કુવૈત લાંબા સમયથી અમેરિકાનું વ્યૂહાત્મક અને નજીકનું સહયોગી મિત્ર રહ્યું છે. ચાલુ અમેરિકા-ઈરાન યુદ્ધ દરમિયાન, ઈરાન અને ઈરાક સ્થિત ઈરાન સમર્થિત શિયા સશસ્ત્ર સંગઠનો અગાઉ પણ કુવૈતને નિશાન બનાવી ચૂક્યા છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરી રહ્યા છે કે તેમની સરકાર ઈરાન સાથે શાંતિ વાટાઘાટોમાં આગળ વધી રહી છે. ટ્રમ્પ કોઈપણ ભોગે ઈરાન સાથે એવો કરાર ઈચ્છે છે જેથી સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ફરીથી ખુલી શકે, જે હાલ નાકાબંધીના કારણે બંધ છે.
અમેરિકા અને ઈરાન સામસામે
પરિસ્થિતિ એટલી નાજુક છે કે સીઝફાયર હોવા છતાં બંને પક્ષો એકબીજા પર તૂટી પડ્યા છે. ગત સોમવારે અમેરિકાએ દક્ષિણ ઈરાનમાં મિસાઈલ લોન્ચ સાઈટ્સ અને દરિયાઈ સબમરીન માઈન્સ બિછાવનારી બોટો પર હુમલો કર્યો હતો. ત્યારબાદ બુધવારે મોડી રાત્રે અમેરિકી સેનાએ હોર્મુઝ જળમાર્ગની આસપાસ મોટો ખતરો બનેલા ઈરાનના ૪ આત્મઘાતી ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા. આ ઉપરાંત, બંદર અબ્બાસમાં સ્થિત ઈરાની ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનને પણ નેસ્તનાબૂદ કરવામાં આવ્યું હતું, જ્યાંથી પાંચમું ડ્રોન લોન્ચ કરવાની તૈયારી થઈ રહી હતી. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સે (IRGC) પણ સ્વીકાર્યું છે કે તેમણે બંદર અબ્બાસ એરપોર્ટ નજીક થયેલા હુમલાના જવાબમાં અમેરિકી એરબેઝ પર વળતો પ્રહાર કર્યો છે.
મોંઘવારીનો વૈશ્વિક માર અને તેલ સંકટ
અમેરિકા ઈચ્છે છે કે ઈરાન પોતાનો સમૃદ્ધ યુરેનિયમ (Enriched Uranium)નો જથ્થો નષ્ટ કરે, જ્યારે ઈરાન તેના પર લાગેલા આર્થિક પ્રતિબંધો હટાવવાની અને વિદેશમાં ફ્રીઝ થયેલી અબજો ડોલરની સંપત્તિ પાછી મેળવવાની જીદ પર અડગ છે. આ ગજગ્રાહ અને હોર્મુઝ બંધ થવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. અમેરિકા સહિત વિશ્વભરમાં ઈંધણની કટોકટી અને રેકોર્ડબ્રેક મોંઘવારીને કારણે પબ્લિકમાં ભારે આક્રોશ છે. કુવૈત પરના આ તાજા હુમલાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.
આ પણ વાંચો:US Vs Iran:ઇરાન પરના હુમલામાં શું ઇઝરાયલ જોડાશે?અમેરિકા હોર્મુઝ પર સંપૂર્ણ યુદ્ધમાં ડૂબી ગયું