મિડલ ઈસ્ટના અત્યંત મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ગણાતા હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં વધુ એક તેલ ટેન્કર હુમલાનો ભોગ બન્યું છે. કુવૈતી ધ્વજ ધરાવતા 'M/T અલ દાસ્મા' (M/T Al Dasma) નામના તેલ ટેન્કર પર અજાણ્યા સ્થળેથી એક ભીષણ મિસાઇલ પ્રહાર કરવામાં આવ્યો હતો. આ ઘટના સમયે જહાજ પર ૨૧ ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. હુમલા બાદ જહાજમાં આગ લાગી ગઈ હતી અને તેને ભારે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ રાહતના સમાચાર એ છે કે તમામ ૨૧ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
જહાજ પર સવાર હતા 21 ભારતીય
કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પર આ હુમલાની પુષ્ટિ કરતા તમામ ભારતીયોની સલામતી અંગે દેશવાસીઓને આશ્વાસન આપ્યું હતું. 'યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ' (UKMTO) ના અહેવાલ મુજબ, આ ઘટના ૨૧ ઓક્ટોબરે પર્સિયન ગલ્ફને ઓમાનના અખાત સાથે જોડતા સાંકડા માર્ગમાં ઘટી હતી. હુમલાગ્રસ્ત જહાજ ઓમાનના બુખા વિસ્તારથી આશરે ૧૧ નોટિકલ માઇલ પશ્ચિમે દક્ષિણ કિનારા પર લંગરાયેલી સ્થિતિમાં મળી આવ્યું હતું. આ હુમલો કઈ તરફથી અને કોણે કર્યો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ભારત સરકાર શિપિંગ મેનેજમેન્ટ કંપનીના સંપર્કમાં રહીને સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
https://x.com/BAkhabar_plus/status/2113131992753619393?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2113131992753619393%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
