પશ્ચિમ એશિયામાં ફાટી નીકળેલા ભીષણ યુદ્ધે સમુદ્ર માર્ગે થતા વૈશ્વિક વેપારનું ચિત્ર સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. દુનિયાભરમાં કાચું તેલ અને ગેસ સપ્લાય કરતા વિશાળકાય જહાજો હવે દરિયામાં રડારથી છિપાઈને ચાલવા મજબૂર બન્યા છે. મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે, હોર્મુઝ જળમાર્ગમાંથઈ પસાર થતા મોટા ઓઇલ ટેન્કરો હુમલાના ડરથી પોતાના ઓટોમેટિક ટ્રેકિંગ સિસ્ટમ (AIS) બંધ કરી રહ્યા છે. શિપિંગની ભાષામાં આ પદ્ધતિને ‘ડાર્ક મોડ’ તરીકે ઓળખવામાં આવે છે.
છૂપાવવાની કેમ પડી જરૂર?
અગાઉ માત્ર ઈરાન કે રશિયા જેવા દેશો આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી બચવા માટે પોતાના ટ્રેકિંગ સિસ્ટમ બંધ રાખતા હતા, જેને ‘શેડો ફ્લીટ’ કહેવામાં આવતી. પરંતુ હવે સુરક્ષાના કારણોસર કાયદેસર અને પ્રતિબંધ વગરના દેશોના જહાજો પણ આ રણનીતિ અપનાવી રહ્યા છે. ફારસની ખાડીને અરબ સાગર સાથે જોડતી હોર્મુઝની ખાડી અત્યારે અત્યંત સંવેદનશીલ બની ગઈ છે. 'વોર્ટેક્સા' (Vortexa) ના ડેટા અનુસાર, માર્ચથી મે મહિનાના અંત સુધીમાં આ રૂટ પરથી પસાર થનારા 57% જહાજોએ પોતાની ઓળખ છુપાવી રાખી હતી. અહીં સામાન્ય ટેન્કરોનું ટ્રાફિક 95% સુધી ઘટી ગયું છે.
ભારત માટે રાહતના સમાચાર
આ વૈશ્વિક કટોકટી વચ્ચે સૌથી મોટી અને રાહતની વાત એ છે કે ભારતની ઉર્જા સુરક્ષા સંપૂર્ણપણે અકબંધ છે. ભારત પોતાની તેલની જરૂરિયાતના 40%, એલએનજી (LNG) ના 60% અને એલપીજી (LPG) ના આશરે 90% નો પુરવઠો આ જ વિસ્તારમાંથી આયાત કરે છે. ડેટા દર્શાવે છે કે કાચા તેલ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસ લાવતા જહાજો પણ આ 'ડાર્ક મોડ'નો ઉપયોગ કરીને ભારતીય તટો સુધી કોઈ પણ અડચણ વગર સુરક્ષિત રીતે પહોંચી રહ્યા છે.
જોખમી છતાં મજબૂરીનો ખેલ
આંતરરાષ્ટ્રીય દરિયાઈ નિયમો મુજબ જહાજોનું AIS ટ્રેકિંગ હંમેશા ચાલુ હોવું અનિવાર્ય છે. સિસ્ટમ બંધ થવાથી જહાજો સમંદરમાં સાવ અદ્રશ્ય થઈ જાય છે, જેનાથી હોર્મુઝ જેવા અતિ વ્યસ્ત રૂટ પર જહાજો વચ્ચે ટક્કર થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. તેમ છતાં, યુએઈ, કતાર અને સાઉદી અરેબિયા જેવા દેશોની સરકારી ઓઇલ કંપનીઓ પોતાની અર્થવ્યવસ્થા અને સપ્લાય ચેઈનને બચાવવા આ નવો ટ્રેન્ડ અપનાવી ચૂકી છે. મે મહિનામાં આવી ગુપ્ત સપ્લાયમાં ખાડી દેશોના જહાજોની હિસ્સેદારી 67% હતી, જેમાં એકલું યુએઈ 27% સાથે મોખરે હતું. આ છૂપા માર્ગો અને વ્યુહરચનાને કારણે જ અત્યારે વૈશ્વિક ઉર્જા બજાર રાહતનો શ્વાસ લઈ રહ્યું છે.
આ પણ વાંચો:Life Reset Challenge:મહિલાએ લાઈફસ્ટાઈલ સુધારવા અપનાવી 11 આદત