ભારતમાં હત્યા, ખંડણી અને ડ્રગ્સની તસ્કરી જેવા ગંભીર ગુનાઓ આચરનારી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક હવે ભારતની સરહદો ઓળંગીને અમેરિકા અને કેનેડા સુધી પહોંચી ગયો છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, વિદેશમાં બેઠેલા આ ગેંગના સભ્યો મોટા પાયે ખંડણી અને ફાયરિંગની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં છેલ્લા ચાર વર્ષમાં ખંડણી અને ફાયરિંગના આવા ૨૦ જેટલા કેસો સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિક એજન્સીઓ ચિંતામાં મુકાઈ છે.
સ્થાનિક સ્તરે ફેલાયું નેટવર્ક
અગાઉ આ ગેંગના સાગરીતો અમેરિકા અને કેનેડામાં બેસીને માત્ર ભારતમાં ગુનાખોરી આચરતા હતા, પરંતુ હવે તેમનું નેટવર્ક ત્યાંના સ્થાનિક સ્તરે પણ સક્રિય થઈ ગયું છે. કેલિફોર્નિયાની સેન્ટ્રલ વેલી અને સેન જોઆક્વિન કાઉન્ટીમાં દર મહિને સરેરાશ બે ખંડણીના કેસ નોંધાઈ રહ્યા છે, જેમાં ભારતીય મૂળના વેપારીઓ પાસેથી ૪,૦૦૦ થી ૭,૦૦૦ ડૉલર (આશરે ૩.૮૨ લાખથી ૬.૬૮ લાખ રૂપિયા)ની માંગ કરવામાં આવે છે.
FBIની તપાસમાં મોટો ખુલાસો
અમેરિકન તપાસ એજન્સી FBI ના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર ૨૦૨૩માં ભારતના એક ઉદ્યોગપતિને વીડિયો કોલ પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જે કોલ ખુદ લોરેન્સ બિશ્નોઈએ કર્યો હતો. લોરેન્સ ભારતીય જેલમાં બંધ હોવા છતાં એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા પોતાના સાગરીતોને વિદેશમાં નિર્દેશો આપી રહ્યો છે. નવેમ્બર ૨૦૨૫માં કેલિફોર્નિયામાં દાખલ થયેલા એક કેસમાં તેના અનેક સાગરીતો અમેરિકામાં સક્રિય હોવાની પુષ્ટિ થઈ છે. આ સિન્ડિકેટમાં અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને અર્શ ડલ્લા જેવા નામ સામેલ છે, જેમાંથી અનમોલને નવેમ્બર ૨૦૨૫માં ભારત લાવવામાં આવી ચૂક્યો છે.
ત્રણ દેશોના સહયોગની જરૂરિયાત
આ ગેંગની આતંકી પ્રવૃત્તિઓને જોતા કેનેડાએ સપ્ટેમ્બર ૨૦૨૫માં બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરી દીધું હતું. હરિયાણા STF ના આઈજી બી. સતીષ બાલનના જણાવ્યા મુજબ, ગેંગ પહેલા વોટ્સએપ કોલ દ્વારા ધમકી આપે છે અને પૈસા ન મળે તો પરિવાર પર ફાયરિંગ કરાવી સોશિયલ મીડિયા પર જવાબદારી સ્વીકારે છે. આ આંતરરાષ્ટ્રીય ક્રાઈમ સિન્ડિકેટને રોકવા માટે હવે ભારત, અમેરિકા અને કેનેડા વચ્ચે વધુ મજબૂત અને ઝડપી કાનૂની સહયોગની જરૂરિયાત ઊભી થઈ છે.
આ પણ વાંચો:PoK Protest:લંડનમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ,'તેરા બાપ ભી દેગા આઝાદી'ના નારા સાથે PoKમાં સેનાના અત્યાચારનો વિરોધ!