તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં સુંદર અને આકર્ષક દેખાવાનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ત્વચાનો રંગ નિખારવા, ઉંમરની અસર ઘટાડવા કે દેખાવ બદલવા માટે યુવતીઓ અને મહિલાઓ બ્યુટી ટ્રીટમેન્ટ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. પાકિસ્તાની અખબારના અહેવાલ અનુસાર, દેશમાં એસ્થેટિક અને કોસ્મેટિક સર્જરીનો બિઝનેસ પ્રતિ વર્ષ 40 ટકાના ઝડપી દરે વધી રહ્યો છે. દેશમાં દર મહિને આશરે 2 લાખ ગ્રાહકો આ ક્લિનિક્સની મુલાકાત લે છે, જ્યારે 10000 થી વધુ પ્રેક્ટિશનરો આ ક્ષેત્રમાં સક્રિય છે.

પાકિસ્તાનમાં વધી રહેલો કોસ્મેટિક બિઝનેસ

પાકિસ્તાનમાં હાલમાં બોટોક્સ, ફિલર્સ, લેસર હેર રિમૂવલ, હાઇડ્રાફેસિયલ, સ્કિન ટાઇટનિંગ, કેમિકલ પીલ અને હેર ટ્રાન્સપ્લાન્ટ જેવી નોન-સર્જિકલ પ્રક્રિયાઓ અત્યંત લોકપ્રિય બની છે. લોકો એવી સારવાર વધુ પસંદ કરી રહ્યા છે જેમાં સમય ઓછો લાગે અને રિકવરી ઝડપી થાય. સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવેન્યુના ડેટા અનુસાર, આ ક્ષેત્રમાં સેવા પ્રદાતાઓની સંખ્યા ૩૫૦ થી વધુ થઈ ગઈ છે અને માસિક વેચાણ ₹૮૦ મિલિયન સુધી પહોંચી ગયું છે, જે દર્શાવે છે કે આ ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થામાં પણ મોટો હિસ્સો ધરાવે છે.

તુર્કી જ કેમ પસંદ કરી રહી છે મહિલાઓ?

જે મહિલાઓ અને સેલિબ્રિટીઝનું બજેટ ઊંચું છે, તેઓ પોતાના ઘરઆંગણે સારવાર કરાવવાને બદલે તુર્કી (Turkey) જવાનું વધુ પસંદ કરે છે.પશ્ચિમી દેશો અથવા પાકિસ્તાનની વિઆઈપી હોસ્પિટલોની સરખામણીએ તુર્કીમાં કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી 50% થી 70% સુધી સસ્તી પડે છે. તુર્કીના ક્લિનિક્સ સારવારની સાથે હોટેલ રોકાણ અને ટ્રાન્સફર સહિતના આકર્ષક VIP પેકેજ ઓફર કરે છે. તુર્કીની હેલ્થ એજન્સી 'USHAS' ના આંકડા મુજબ, વર્ષ 2023 થી 2025 દરમિયાન દર વર્ષે આશરે ૧૪ થી ૧૫ લાખ વિદેશી નાગરિકો મેડિકલ ટૂરિઝમ માટે તુર્કી આવ્યા હતા, જેનાથી તુર્કીને કરોડો ડોલરની કમાણી થઈ છે.

'ટર્કિશ ટ્રીટમેન્ટ'હવે પાકિસ્તાનમાં જ 

ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ એસ્થેટિક પ્લાસ્ટિક સર્જરી (ISAPS) ના અહેવાલ મુજબ, વિશ્વભરમાં કોસ્મેટિક પ્રક્રિયાઓ કરાવવા માટે તુર્કી અગ્રણી દેશોમાં સામેલ છે. તુર્કીના આ ક્રેઝને કારણે હવે પાકિસ્તાનમાં પણ અનેક બ્યુટી ક્લિનિક્સ 'ટર્કિશ ટ્રીટમેન્ટ'ના નામે પોતાના પેકેજો વેચી રહ્યા છે.