તબીબી વિજ્ઞાનના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને ક્રાંતિકારી સિદ્ધિ નોંધાઈ છે, જેણે વિશ્વભરના ડોક્ટરો અને કિડનીની બીમારીથી પીડિત દર્દીઓમાં નવી આશા જગાવી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં ડોક્ટરોએ 66 વર્ષીય ટિમ એન્ડ્રુઝ નામના દર્દીના શરીરમાં ડુક્કરની કિડની સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી હતી. આ ડુક્કરની કિડનીએ દર્દીના શરીરમાં રેકોર્ડ 271 દિવસ સુધી સંપૂર્ણપણે સફળતાપૂર્વક કાર્ય કર્યું છે. માનવ શરીરમાં આટલા લાંબા સમય સુધી કોઈ પ્રાણીના અંગ દ્વારા કાર્ય કરવા મામલે આ તબીબી ઇતિહાસનો સૌથી લાંબો રેકોર્ડ છે, જેના પરિણામો જાણીતી તબીબી જર્નલ 'ધ લેન્સેટ'માં પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે.
ડુક્કરની કિડનીથી સામાન્ય જીવન જીવતા થયા
મળતી માહિતી પ્રમાણે દર્દી ટિમ એન્ડ્રુઝ ટાઇપ-2 ડાયાબિટીસથી પીડિત હતા, જેના કારણે તેમની બંને કિડની ખરાબ થઈ ચૂકી હતી. ડોક્ટરોએ તેમને જણાવ્યું કે માનવ અંગ મેળવવા માટે તેમને લગભગ સાત વર્ષ રાહ જોવી પડે તેમ હતી, જે ડાયાલિસિસ પર જીવતા દર્દી માટે અશક્ય હતું. આ ગંભીર પરિસ્થિતિમાં મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના ડોક્ટરોએ તેમને 'ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન' એટલે કે પ્રાણીના અંગનું માનવમાં પ્રત્યારોપણ કરાવવાની સલાહ આપી. 25 જાન્યુઆરી, 2025ના રોજ તેમના શરીરમાં આ કિડની બેસાડવામાં આવી, જેનાથી તેમને ડાયાલિસિસ મશીનથી લાંબા સમય સુધી મુક્તિ મળી ગઈ અને તેઓ સામાન્ય જીવન જીવવા લાગ્યા.
