અમેરિકાનો પ્રવાસ કરવાની યોજના બનાવી રહેલા ભારતીયો માટે વિઝા અપોઇન્ટમેન્ટને લઈને મોટી મુશ્કેલી સામે આવી છે. અમેરિકાના વિઝિટર વિઝા માટે પ્રથમ વખત અરજી કરનારા લોકોને ભારતના મોટા શહેરોમાં ઇન્ટરવ્યૂ માટેના સ્લોટ મેળવવા માટે ઘણા મહિનાઓ સુધી રાહ જોવી પડી રહી છે. અમેરિકી વિદેશ વિભાગના બ્યુરો ઑફ કોન્સ્યુલર અફેર્સના તાજેતરના વેઇટિંગ ટાઇમના આંકડા અનુસાર, કેટલાક સ્થળોએ આગામી ઉપલબ્ધ સ્લોટ લગભગ એક વર્ષ બાદ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં મુસાફરીની યોજના બનાવી રહેલા લોકો માટે વિઝાની પ્રક્રિયા ઘણાં સમય પહેલાં શરૂ કરવી જરૂરી બની છે.
હૈદરાબાદમાં સૌથી કપરી સ્થિતિ
પ્રથમ વખત અરજી કરનારા લોકોમાં સૌથી લાંબી રાહ હૈદરાબાદના લોકો જોઇ રહ્યા છે. અહીં આગામી ઉપલબ્ધ ઇન્ટરવ્યૂ સ્લોટ લગભગ 12 મહિના બાદ મળી રહ્યો છે. મુંબઈમાં ઇન્ટરવ્યૂ સ્લોટ લગભગ 11.5 મહિનાનો અને નવી દિલ્હીમાં લગભગ 10 મહિનાનો છે.
ચેન્નાઈમાં અરજદારોને લગભગ 7.5 મહિના રાહ જોવી પડી રહી છે, જ્યારે કોલકાતામાં વેઇટિંગ ટાઇમ લગભગ 6.5 મહિનાનો છે. એટલે કે શહેર પ્રમાણે અમેરિકાના વિઝિટર વિઝા માટે અપોઇન્ટમેન્ટ મેળવવામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
ક્યાં કેટલો વેઇટિંગ ટાઇમ?
અમેરિકા રજાઓ માણવા જતા પ્રવાસીઓ અને વ્યવસાયિક મુલાકાત માટે જતા લોકો માટે સામાન્ય રીતે B1/B2 વિઝિટર વિઝા કેટેગરી લાગુ પડે છે. તેથી કોર્પોરેટ બેઠક, વ્યવસાયિક કાર્યક્રમ અથવા વેપાર સંમેલનમાં જનારાઓ તેમજ ફરવા અથવા પરિવારને મળવા જનારાઓ માટે ઇન્ટરવ્યૂ સ્લોટની વ્યવસ્થા એક જ છે.
અમેરિકી વિદેશ વિભાગના અગાઉના આંકડા અનુસાર, અગાઉના મહિને ઇન્ટરવ્યૂ પૂર્ણ કરનારા અરજદારો માટેનો વાસ્તવિક સરેરાશ વેઇટિંગ ટાઇમ હૈદરાબાદમાં 11.5 મહિના, મુંબઈમાં 11 મહિના, નવી દિલ્હીમાં 7.5 મહિના, ચેન્નાઈમાં 7 મહિના અને કોલકાતામાં 6 મહિના રહ્યો હતો.
સ્ટુડન્ટ અને વર્ક વિઝા માટે સ્થિતિ અલગ
વિઝિટર વિઝાની સરખામણીએ સ્ટુડન્ટ અને વર્ક વિઝા માટે સ્થિતિ અલગ છે. સ્ટુડન્ટ અને એક્સચેન્જ વિઝિટર વિઝા માટે ચેન્નાઈમાં બે અઠવાડિયાથી પણ ઓછો, હૈદરાબાદમાં લગભગ 1.5 મહિના, નવી દિલ્હી અને કોલકાતામાં લગભગ 2 મહિના અને મુંબઈમાં લગભગ 2.5 મહિનાનો વેઇટિંગ ટાઇમ જણાવાયો છે.
પિટિશન આધારિત કામચલાઉ વર્ક વિઝાના કિસ્સામાં હૈદરાબાદમાં લગભગ 5.5 મહિનાની રાહ છે. જ્યારે નવી દિલ્હીમાં 3 મહિના, ચેન્નાઈ અને મુંબઈમાં લગભગ 1.5 મહિના અને કોલકાતામાં લગભગ 1 મહિનાનો સમય લાગી રહ્યો છે.
વેઇટિંગ ટાઇમ અપોઇન્ટમેન્ટની ખાતરી નથી
જોકે, આ વેઇટિંગ ટાઇમ કોઈ ચોક્કસ અપોઇન્ટમેન્ટ મળવાની ખાતરી આપતા નથી. અમેરિકી દૂતાવાસ અને કૉન્સ્યુલેટ સમયાંતરે નવા ઇન્ટરવ્યૂ સ્લોટ ખોલે છે. આ ઉપરાંત, રદ થયેલી અપોઇન્ટમેન્ટ પણ ફરીથી ઉપલબ્ધ થઈ શકે છે.
આથી જે પ્રવાસીઓને દૂરની તારીખની અપોઇન્ટમેન્ટ મળી છે, તેઓ નિયમિત રીતે વિઝા પોર્ટલ પર સ્લોટ તપાસી શકે છે. જો અગાઉની તારીખ ઉપલબ્ધ થાય તો તેઓ કોઈ વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના અપોઇન્ટમેન્ટની તારીખ બદલી શકે છે.
નવા અરજદારો માટે અગાઉથી પ્રક્રિયા શરૂ કરવી જરૂરી
વેઇટિંગ પિરીયડની આ સ્થિતિ મુખ્યત્વે એવા અરજદારો માટે છે, જેમને વ્યક્તિગત રીતે ઇન્ટરવ્યૂ આપવો જરૂરી છે. જો કે વર્તમાન વિઝાનું નવીનીકરણ કરવા માટે પાત્ર અરજદારો અને ઇન્ટરવ્યૂમાંથી મુક્તિ મળતી પ્રક્રિયા હેઠળ વિઝા નવીનીકરણ કરાવનારાઓની સ્થિતિ અલગ છે.
આવા કિસ્સામાં પાસપોર્ટ પરત મળવામાં લગભગ 2થી 6 અઠવાડિયા લાગી શકે છે. તેથી અમેરિકા જવાની યોજના બનાવી રહેલા નવા અરજદારોએ મુસાફરીની તારીખ નક્કી કરતા પહેલાં પોતાના શહેરમાં હાલનો વેઇટિંગ ટાઇમ ચોક્કસ તપાસી લેવો જોઈએ.