હિંદ મહાસાગરમાં પોતાના વ્યૂહાત્મક સ્થાન માટે જાણીતા ટાપુ રાષ્ટ્ર માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની તાજેતરની પાકિસ્તાન મુલાકાતે આંતરરાષ્ટ્રીય સ્તરે નવો વિવાદ છેડ્યો છે. મુઇઝ્ઝુએ પાકિસ્તાનના વડાપ્રધાન અને સેના પ્રમુખ અસીમ મુનીર સાથે હાથ મિલાવીને 20 થી વધુ સમજૂતી કરારો (MoUs) પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતીઓમાં સૌથી મોટો વિવાદ સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા અને સાયબર સુરક્ષા સંબંધિત ગુપ્ત કરારોને લઈને થયો છે. માલદીવ સરકારે આ સંરક્ષણ કરારોને પોતાની સંસદથી પણ છુપાવીને અતિ ગુપ્ત રાખતાં માલદીવની અંદર જ મુઇઝ્ઝુ સરકાર વિરુદ્ધ રાજકીય બળવો ફાટી નીકળ્યો છે. વિપક્ષી નેતાઓ અને રાજદ્વારીઓ ખુલ્લેઆમ ચેતવણી આપી રહ્યા છે કે ભારત જેવા પરમ મિત્રને નારાજ કરીને પાકિસ્તાન સાથે હાથ મિલાવવો માલદીવ માટે આત્મઘાતી સાબિત થશે.
પાકિસ્તાન સાથે 20 ગુપ્ત સમજૂતીઓ
બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 60 વર્ષ પૂર્ણ થવાના બહાને મુઇઝ્ઝુ પાકિસ્તાનના સત્તાવાર પ્રવાસે ગયા હતા. સત્તાવાર રીતે આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને પ્રવાસન ક્ષેત્રે ભાગીદારી દર્શાવવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતામાં પાકિસ્તાની સૈન્ય સાથે દરિયાઈ અને સંરક્ષણ સહયોગના કરારો ગુપ્ત રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે. મુઇઝ્ઝુ સરકારે આ સંરક્ષણ કરારોની વિગતો દેશની ચૂંટાયેલી સંસદ (મજલિસ) સમક્ષ રજૂ કરવાનો ઇનકાર કરી દીધો છે, જેનાથી ભારતની સુરક્ષા ચિંતાઓમાં ભારે વધારો થયો છે.
માલદીવના વિપક્ષનો પ્રચંડ વિરોધ
દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ટોચના રાજદ્વારીઓ મુઇઝ્ઝુ સામે મેદાનમાં આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે, "રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુની પાકિસ્તાન સાથેની આ ગુપ્ત સાંઠગાંઠ માલદીવની વ્યૂહાત્મક સ્વાયત્તતા, રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિ માટે ગંભીર જોખમ ઊભું કરે છે."તેમણે માંગણી કરી છે કે પાકિસ્તાન સાથે થયેલા તમામ 20 કરારોની વિગતો તાત્કાલિક સંસદની સુરક્ષા બાબતોની સ્ટેન્ડિંગ કમિટી (૨૪૧ કમિટી) સમક્ષ મૂકવામાં આવે. તેમણે ચેતવણી આપી કે દેશની સુરક્ષાને લગતા નિર્ણયો બંધ બારણે ન થઈ શકે અને તેનાથી અવિશ્વાસનું વાતાવરણ ઊભું થશે.
ભારતનું ઉદાર સમર્થન વિરુદ્ધ મુઇઝ્ઝુની ભારત-વિરોધી નીતિ
માલદીવના અસ્તિત્વ પાછળ ભારતનો ઐતિહાસિક ફાળો રહ્યો છે.1988 નો બળવાનો પ્રયાસ નિષ્ફળ બનાવવો હોય, 2004 ની સુનામી આપત્તિ હોય, 2014 નું માલે જળ સંકટ હોય કે કોવિડ-19 મહામારી ભારતે હંમેશા પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે માલદીવને બિનશરતી મદદ કરી છે.માલદીવ તેની જીવનજરૂરી મોટાભાગની ચીજવસ્તુઓ અને અનાજ માટે ભારત પર નિર્ભર છે.આમ છતાં, મુઇઝ્ઝુએ ‘ઇન્ડિયા આઉટ’ના કટ્ટરપંથી નારા પર સત્તા મેળવીને અગાઉ ચીનને માલદીવમાં પગપેસારો કરાવ્યો હતો અને હવે પાકિસ્તાન સાથે લશ્કરી સોદા કરીને હિંદ મહાસાગર ક્ષેત્રની શાંતિ જોખમમાં મૂકી રહ્યા છે.આર્થિક કટોકટીમાં ફસાયેલા માલદીવ માટે ભારત સાથેના સુધરી રહેલા સંબંધો વચ્ચે પાકિસ્તાન સાથેની આ નિકટતા મોટો આંચકો સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: India: 8 વર્ષ જૂની કાનૂની લડાઈનો માત્ર 16 મિનિટમાં અંત! અમિત શાહ પરના નિવેદન કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ