ઈરાનની રાજધાની તેહરાન નજીક આવેલા એક વ્યસ્ત શોપિંગ સેન્ટરમાં મંગળવારે રાત્રે ભીષણ આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે 36 જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અથવા ઈજાગ્રસ્ત થયા છે. સરકારી ન્યૂઝ એજન્સીઓના જણાવ્યા અનુસાર, તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

મંગળવારે મોડી સાંજે બની ઘટના

આ કરૂણ ઘટના તેહરાન પ્રાંતના અંદીશેહ શહેરમાં આવેલા લોકપ્રિય અરઘવન શોપિંગ સેન્ટરમાં બની હતી. મંગળવારે મોડી સાંજે જ્યારે મોલમાં લોકોની અવરજવર હતી, ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બહુમાળી ઇમારતમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા દેખાયા હતા. ટેલિવિઝન ફૂટેજમાં જોઈ શકાય છે કે અગ્નિશામક દળના જવાનો જીવના જોખમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા હતા.

આગ લાગવાનું કારણ અકબંધ

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક અધિકારીઓ અને ફોરેન્સિક ટીમો આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ એક અકસ્માત હોવાનું જણાય છે, કારણ કે અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા ત્રણ અઠવાડિયાથી નાજુક યુદ્ધવિરામ અમલમાં છે. સત્તાવાર રીતે આ ઘટનાને યુદ્ધ કે કોઈ બાહ્ય હુમલા સાથે જોડતો કોઈ પુરાવો હજુ સુધી મળ્યો નથી.

તંત્રની કાર્યવાહી

ઈરાની રાજ્ય ટેલિવિઝન IRIB ના અહેવાલ મુજબ, અધિકારીઓ ઇમારતની સુરક્ષા વ્યવસ્થા અને ફાયર સેફ્ટીના સાધનોની પણ તપાસ કરી રહ્યા છે. આ પ્રકારની દુર્ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળોએ સુરક્ષાના ધોરણો સામે સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક પ્રશાસને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાની ખાતરી આપી છે. શોપિંગ સેન્ટરની આસપાસનો વિસ્તાર હાલમાં સુરક્ષાના કારણોસર સીલ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Mumbai Airport: 7 મેના રોજ 6 કલાક માટે મુંબઇ એરપોર્ટના બંને રનવે રહેશે બંધ, જાણો ફ્લાઇટની દરેક વિગતો