ચીનની રાજધાની બેઇજિંગના ભવ્ય 'ગ્રેટ હોલ ઓફ ધ પીપલ' માં યોજાયેલી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાતે વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. રેડ કાર્પેટ સ્વાગત અને સ્મિત વચ્ચે, બેઠકની શરૂઆતમાં જ શી જિનપિંગે તાઇવાનના મુદ્દે અમેરિકાને એવી ધમકી આપી છે જેણે બંને દેશો વચ્ચેના તણાવને નવી ઊંચાઈ પર પહોંચાડી દીધો છે.
મિત્રતાની વાતો અને યુદ્ધની ચેતવણી
બેઠકની શરૂઆતમાં ડોનાલ્ડ ટ્રમ્પે હંમેશની જેમ પોતાની આગવી શૈલીમાં શી જિનપિંગની પ્રશંસા કરી હતી. ટ્રમ્પે જિનપિંગને 'મહાન નેતા' અને 'મિત્ર' ગણાવતા બંને દેશોના ઉજ્જવળ ભવિષ્યની આગાહી કરી હતી. જોકે, ટ્રમ્પની આ સોફ્ટ ડિપ્લોમસી સામે શી જિનપિંગનો સ્વર અત્યંત કડક અને મક્કમ હતો. જિનપિંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બંને દેશોએ 'ભાગીદાર' બનવું જોઈએ, 'હરીફ' નહીં.
તાઇવાન: વિવાદનું મુખ્ય કેન્દ્ર
ચીની સરકારી ચેનલ સીસીટીવીના અહેવાલ મુજબ, શી જિનપિંગે બેઠકની શરૂઆતમાં જ તાઇવાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ચેતવણી આપતા કહ્યું, "ચીન-અમેરિકા સંબંધોમાં તાઇવાનનો પ્રશ્ન સૌથી સંવેદનશીલ અને મહત્વપૂર્ણ છે. જો આ મુદ્દાને સંભાળવામાં જરા પણ ભૂલ થશે અથવા તેને ખોટી રીતે હેન્ડલ કરવામાં આવશે, તો બંને દેશો વચ્ચે સીધો સશસ્ત્ર સંઘર્ષ કે અથડામણ થઈ શકે છે." જિનપિંગે વધુમાં ઉમેર્યું કે આવી ભૂલ આખા ચીન-અમેરિકા સંબંધોને 'અત્યંત ખતરનાક પરિસ્થિતિ' માં ધકેલી દેશે.
ચીનનો બદલાયેલો મિજાજ
નિષ્ણાતો માને છે કે આ વખતે ચીન પહેલા કરતા વધુ આક્રમક મૂડમાં છે. ચીન તાઇવાનને પોતાનો અભિન્ન હિસ્સો માને છે, જ્યારે અમેરિકા તાઇવાનને સૈન્ય અને રાજકીય સહયોગ આપી રહ્યું છે. ટ્રમ્પના ભવ્ય સ્વાગત છતાં, જિનપિંગે જે રીતે 'સંઘર્ષ' શબ્દનો પ્રયોગ કર્યો છે, તે દર્શાવે છે કે ચીન હવે આ મુદ્દે કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી.
જિનપિંગના કડક વલણ પછી અમેરિકાની શું પ્રતિક્રિયા
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ જિનપિંગના આ કડક વલણ પછી હવે અમેરિકા શું પ્રતિક્રિયા આપે છે અને તાઇવાનની સુરક્ષા માટે તેની રણનીતિ શું રહે છે, તેના પર આખા વિશ્વની નજર ટકેલી છે. આ મુલાકાતે સાબિત કર્યું છે કે ભવ્ય સમારંભો હોવા છતાં, બંને મહાસત્તાઓ વચ્ચેનો વિશ્વાસ અત્યંત ઓછો છે.
આ પણ વાંચોઃ Export of sugar : ખાંડની નિકાસ પર સરકારનો મોટો નિર્ણય, 2026 સુધી મૂકાયો પ્રતિબંધ