આ મિસાઇલ હુમલામાં હદ્રામૌતમાં અલ-થિનિયા અને અલ-અબર અને મારિબમાં અલ-રૌકને નિશાન બનાવાયા હતા. 

લોહિયાળ જંગ યથાવત્ 

યમન અને સાઉદી અરેબિયામાં હુથી બળવાખોરોએ એક સાથે અનેક હુમલા કર્યા છે. યમનમાં, હુથીઓએ હદ્રામૌત અને મારીબ પ્રાંતોમાં લશ્કરી ઠેકાણાઓને બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોનથી નિશાન બનાવ્યા હતા. જેમાં 58 સૈનિકો માર્યા ગયા અને 11 ઘાયલ થયા હતા. આ દરમિયાન, સાઉદી અરેબિયામાં થયેલા હુમલામાં 11 નાગરિકો ઘાયલ થયા હતા. આમાં સાત સાઉદી, એક યમનના, બે ઇજિપ્તીયન અને એક પાકિસ્તાનીનો સમાવેશ થાય છે.

હુથીઓએ યમન પર 8 મિસાઇલ ચલાવી

આ હુમલો ભારતીય સમય મુજબ ગુરુવારે સાંજે 4:30 વાગ્યે થયો હતો. જેમાં હદ્રામૌતમાં અનેક સરકારી એકમો, હોમલેન્ડ શીલ્ડ ફોર્સ, ઇમરજન્સી ફોર્સ અને લશ્કરી છાવણીઓને નિશાન બનાવવામાં આવી હતી. વર્ષ 2022 પછી યમન પર આ સૌથી ઘાતક હુમલો છે. સાઉદી અરેબિયાના નજરાન ક્ષેત્રમાં થયેલા હુમલામાં 4 વર્ષના બાળક સહિત 11 નાગરિકો ઘાયલ થયા હતા. હુમલાઓ બાદ નજરાનના અનેક ભાગોમાં આગ ફાટી નીકળી હતી. જ્વાળાઓ અને ધુમાડાના ગોટા માઇલો સુધી દેખાતા હતા. 

હુથી બળવાખોરોની હુમલા અંગે પ્રતિક્રિયા 

હુથી બળવાખોરોના પ્રવક્તા યાહ્યા સારીએ જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાના સમર્થનથી કથિત લશ્કરી તૈયારીઓના જવાબમાં બળવાખોરોએ બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોનથી સરકારી લક્ષ્યો પર હુમલો કર્યો હતો. દરમિયાન, હુથીઓએ નજરાન એરપોર્ટ પરના હુમલાની જવાબદારી પણ સ્વીકારી છે. યમનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ હુમલાનો યોગ્ય સમયે અને સ્થળે જવાબ આપવામાં આવશે.

અમેરિકાએ શોક વ્યક્ત કર્યો

યમનમાં યુએસ દૂતાવાસે આ હુમલાઓને કાયર ગણાવ્યા. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, યુએસ દૂતાવાસે આજે શહીદ થયેલા બહાદુર યમની સૈનિકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. દૂતાવાસે કહ્યું, આ હુમલાઓ યમનના લોકો સામે આતંકવાદનું બીજું ઉદાહરણ રજૂ કરે છે. આ દરમિયાન, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીર સાઉદી અરેબિયાની મુલાકાતે છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ કરાર છે. 

આ પણ વાંચોઃ દિલ્હીની દીકરીએ વિદેશમાં રચ્યો ઇતિહાસ, Justice Abha Nayar Patel બન્યા Zambia Supreme Courtના પ્રથમ મહિલા જજ!