પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં એક નવું કુદરતી સંકટ તોળાઇ રહ્યું છે. અહીં એક પર્વત પરથી માટી અને કાટમાળનો મોટો જથ્થો સરકીને નીચે નદીમાં પડ્યો. આનાથી ગીઝર નદીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થઈ ગયો. આ કાટમાળથી નદીનો માર્ગ અવરોધાઈ ગયો છે અને લગભગ સાત કિલોમીટર લાંબુ તળાવ બન્યું છે. નિષ્ણાતો કહે છે કે આ તળાવ ગમે ત્યારે ફાટી શકે છે અને જો આવું થાય તો તે ચાર જિલ્લામાં ભારે વિનાશ લાવી શકે છે.
પર્વત પરથી કાટમાળ નીચે પડ્યો
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે પાકિસ્તાનમાં ભારે વરસાદનો કહેર જોતા હાઇ એલર્ટ જાહેર કર્યુ છે. નદીઓમાં નવા નીર આવતા સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પાણીનું દબાણ ટકી ન શકે, તો નીચે આવેલા ગીઝર, ગિલગિટ, એસ્ટોર અને ડાયમર જિલ્લાઓ પૂરનો ભોગ બની શકે છે. આ આફત ત્યારે શરૂ થઈ જ્યારે પર્વત પરથી કાટમાળ નીચે પડ્યો હતો. તાત્કાલિક ગ્રામજનો અને વહીવટીતંત્રને ચેતવણી આપી હતી. આ સતર્કતાને કારણે, આસપાસના વિસ્તારના 200 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જે પરિવારોના ઘર નદી કિનારે હતા. તેમને તાત્કાલિક ઊંચા સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. રાહત અને બચાવ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. અહીં તળાવ તૂટવાનો ભય જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાનમાં પૂરનો કહેર
પાકિસ્તાન આ વર્ષે પહેલાથી જ પૂરનો સામનો કરી રહ્યું છે. ચોમાસા અને વાદળ ફાટવા જેવી ઘટનાઓએ ઘણા વિસ્તારોમાં તબાહી મચાવી છે. 15મી ઓગસ્ટથી ઉત્તરીય વિસ્તારોમાં લગભગ 400 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, જૂનમાં વરસાદ શરૂ થયો ત્યારથી, સમગ્ર દેશમાં પૂરને કારણે મૃત્યુઆંક 785 પર પહોંચી ગયો છે. NDMAએ ચેતવણી આપી છે કે 10 સપ્ટેમ્બર સુધીમાં દેશમાં વધુ બે રાઉન્ડ વરસાદ પડી શકે છે. જો ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં આ તળાવ ફાટી જાય છે અને તેની સાથે ભારે વરસાદ પડે છે તો તેના પરિણામો ખરેખર વિનાશક હોઈ શકે છે.