તિબેટી પર્વતોમાં હિમનદી તૂટવાના કારણે નેપાળમાં સર્જાયેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનથી સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ કુદરતી આપતમાં અત્યાર સુધીમાં અંદાજે 682 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે હજારો લોકો હજુ પણ ગુમ છે. તિબેટમાં સર્જાયેલી સમાન સ્થિતિને કારણે પાણી અને કાટમાળનું નવું મોજું નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળવાની આશંકા છે, જેના પગલે નેપાળના રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા અને વ્યવસ્થાપન સત્તામંડળ (NDRRMA) દ્વારા રાસુવા, નુવાકોટ અને ધાડિંગ જિલ્લાના નદી કિનારે વસતા નાગરિકો માટે હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

275થી વધુ ભારતીયો ગુમ

આ ભીષણ આફતની અસર ભારતીય નાગરિકો પર પણ ગંભીર રીતે થઈ છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પૂરને કારણે 275 થી વધુ ભારતીયો અને ભારતીય મૂળના ૧૨૮ લોકો ગુમ છે, જ્યારે 108 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. છેલ્લા બે દિવસમાં ૫૯૮ ભારતીય નાગરિકો ચીનથી નેપાળમાં સુરક્ષિત રીતે પ્રવેશ્યા છે, અને ચીનમાં રહેલા આશરે ૯૦૦ ભારતીયો સંપૂર્ણપણે સુરક્ષિત છે. સૌથી વધુ પ્રભાવિત રાસુવા વિસ્તારમાં ચાલેલા અભિયાનમાં એક હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાંથી ચાર ભારતીય નાગરિકો (રિપુ કુમાર, ચાણેશ્વર નરજારી, કૃપા શંકર અને મોહમ્મદ મિન્હાજુદ્દીન) ને સુરક્ષિત બચાવાયા છે.

મુશ્કેલ સમયમાં ભારતે કરી સહાય

આ મુશ્કેલ સમયમાં મિત્ર દેશ ભારત નેપાળની મદદે આગળ આવ્યો છે. ભારતીય વાયુસેનાના C-130J લશ્કરી પરિવહન વિમાન દ્વારા ૧૧ ટન રાહત સામગ્રીનો ચોથો જથ્થો નેપાળ મોકલવામાં આવ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે માહિતી આપી હતી કે આ વિમાનમાં શોધ અને બચાવ સાધનોની ટેકનિકલ ટીમ તેમજ મૃતદેહોની ઓળખ માટે ડીએનએ વિશ્લેષણ સાધનો સાથેની ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ પણ સામેલ છે.

આ ઉપરાંત,230 ફૂટ લાંબા મોડ્યુલર સ્ટીલ બ્રિજ માટે જરૂરી સાધનો લઈને ૧૬ ટ્રક નેપાળ પહોંચી ચૂક્યા છે, અને આગામી સમયમાં વધુ સાત બેલી બ્રિજ સ્થાપિત કરવા માટે સાધનો અને ટેકનિકલ ટીમો મોકલવામાં આવશે. અત્યાર સુધીમાં ભારતે નેપાળને કુલ ૬૮.૫ ટન રાહત સામગ્રી પૂરી પાડી છે, અને પ્રભાવિત વિસ્તારોમાં સતત બચાવ કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Nepal Flood: નેપાળમાં પૂરે વેર્યો વિનાશ, અત્યાર સુધીમાં 675 લોકોના મોત, 275થી વધુ ભારતીયો ગુમ