નેપાળમાં આવેલા અચાનક પૂરે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યુ છે. અલગ અલગ દેશો માંથી નેપાળ આવેલા લોકો આ પૂરનો ભોગ બન્યા. હજુ અનેક લોકો ગુમ પણ છે. આજે 13 દિવસ બાદ પણ રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પૂરમાં હજુ પણ 5000થી વધુ લોકો ગુમ છે.તેમ છતાં નેપાળ સરકાર અને હાલની બચાવ ટીમો માત્ર ચીન સરહદ નજીકના હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં ફસાયેલા આશરે 121 લોકોની જ શોધખોળ પર ફોકસ કરી રહી છે. હવે આવું કેમ?

આ કારણે સૈન્ય આટલાં લોકો પર કરે છે ફોકસ

આ બાબતે સૈન્ય ટીમનું માનવું છે કે હાઇડ્રોપાવર પ્લાન્ટ્સમાંથી ગુમ થયેલા તમામ લોકો સુરંગોમાં ન હોય, પરંતુ ટનલની અંદર એર પોકેટ્સ, રુમ્સ અને રહેવાની જગ્યાઓ હોવાના કારણે કેટલાક લોકો લાંબા સમય સુધી જીવિત રહી શકવાની પ્રબળ શક્યતા છે. તાજેતરમાં જ શનિવારે એક ચીની નાગરિક અને શુક્રવારે બે હાઇડ્રોઇલેકટ્રિક કામદારો સહિત કેટલાક લોકોને ટનલમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા, જેનાથી બચાવકર્મીઓમાં જીવિત લોકોને શોધી કાઢવાની આશા વધુ પ્રબળ બની છે.

બચાવ કામગીરી હજુ પણ ચાલુ

આ ભયાનક આપત્તિમાં ફસાયેલા વિદેશી પ્રવાસીઓ અને ભારતીયોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા ઘણા ભારતીયો પણ તિબેટ ક્ષેત્રમાં ગુમ થયા છે, જેને લઈને પરિવારો ચીન પાસેથી માહિતી માંગી રહ્યા છે. ચીને તાજેતરમાં જ વિદેશી મીડિયાને પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવાની મંજૂરી આપી છે અને બચાવ કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું છે.

ધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો

નેપાળ સરકારે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે ઉચ્ચ-ક્ષમતાવાળા ડ્રોન, બેલી બ્રિજ, ડીએનએ કીટ અને વિશિષ્ટ ટનલ બચાવ સૂટ જેવી અત્યાધુનિક સહાયની માંગ કરી છે. સોમવારે નેપાળમાં આપત્તિના 13મા અને શોકના અંતિમ દિવસે સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો હતો. વડા પ્રધાન બાલેન્દ્ર શાહે નુવાકોટ જેલના કેદીઓને બચાવવાની ઘટનાનો ઉલ્લેખ કરી પ્રશાસનિક મુશ્કેલીઓ વચ્ચે પણ બચાવ કાર્યો ચાલુ હોવાની પુષ્ટિ કરી છે. દુર્ગમ વિસ્તારો અને કાટમાળ વચ્ચે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર લાવવા માટે આધુનિક તકનીક અને વિશેષ સાધનોની મદદ લેવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ UP: બાગપતમાં ભયાનક અકસ્માત, ગોગામેડી દર્શન કરી પરત ફરી રહેલા બદાયૂંના 13 શ્રદ્ધાળુઓના મોત