નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભયાનક કુદરતી આફતો બાદ હાલમાં યુદ્ધના ધોરણે શોધ, રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. નેપાળ પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના અને અત્યંત ચિંતાજનક આંકડાઓ અનુસાર, દેશભરમાંથી અત્યાર સુધીમાં કુલ 1,222 મૃતદેહો મળી આવ્યા છે. આ સાથે જ 4,875 લોકો લાપતા હોવાના અહેવાલ છે, જેમાં 601 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ ભયાનક સંકટ વચ્ચે રાહત એજન્સીઓ દ્વારા અત્યાર સુધીમાં 6,006 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

પોલીસ દળની સક્રિયતા અને મુશ્કેલીઓ

આફતગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા માટે નેપાળ પોલીસના કુલ 7,892 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સઘન કામગીરી દરમિયાન 65 પોલીસ કર્મચારીઓ પણ પ્રભાવિત થયા છે, જ્યારે 25 જવાનો હાલમાં સંપર્ક વિહોણા હોવાથી ચિંતા વધી છે.

મળેલા મૃતદેહોની અંતિમવિધિની પ્રક્રિયા કરાઇ પૂર્ણ

મળી આવેલા 1,222 મૃતદેહોમાં 406 પુરુષો, 236 મહિલાઓ, 43 છોકરીઓ અને 34 છોકરાઓ સામેલ છે. આ ઉપરાંત, 421 માનવ શરીરના આંશિક અવશેષો અને 82 અજાણ્યા મૃતદેહો પણ મળ્યા છે, જેમાંથી 882 મૃતદેહોની અંતિમવિધિ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.

ગુમ થયેલા લોકો અને વિદેશી નાગરિકો

લાપતા થયેલા લોકોમાં 2924 નેપાળી નાગરિકોની સત્તાવાર નોંધણી તેમના સંબંધીઓ દ્વારા કરવામાં આવી છે. અન્ય 1350 લોકોના ગુમ થવાની સૂચના ફોન દ્વારા સરકારી એજન્સીઓને મળી છે. સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે ગુમ થયેલા લોકોમાં 601 વિદેશી નાગરિકો પણ સામેલ છે. જોકે, રાહત કામગીરી હેઠળ અત્યાર સુધીમાં 675 વિદેશી નાગરિકો સહિત કુલ 6006 લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે. હાલ 3126 વિસ્થાપિત લોકોને વિશેષ હોલ્ડિંગ સેન્ટરોમાં આશરો આપવામાં આવ્યો છે.

ડીએનએ દ્વારા ઓળખની પ્રક્રિયા

મૃતકોની ચોક્કસ ઓળખ સુનિશ્ચિત કરવા માટે નેપાળ પોલીસે ૫૫૩ અજાણ્યા મૃતદેહોની વિગતો પોતાની સત્તાવાર વેબસાઇટ પર મૂકી છે. અત્યાર સુધીમાં 1022 મૃતકોના અને 463 સંબંધીઓના મળીને કુલ 1655 ડીએનએ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. પ્રશાસનનું કહેવું છે કે પીડિતોને ન્યાય અપાવવા અને પરિવારોને સાચી માહિતી આપવા માટે આ શોધ અને ઓળખ અભિયાન પૂરઝડપે ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ UP: NHAI ટોલ કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, 15 સ્થળોએ દરોડા,1.03 કરોડ જપ્ત