નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે, જ્યાં દરરોજ મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને હજારો લોકો હજુ પણ ગુમ છે. આ ભયાનક દુર્ઘટનાના કારણે પ્રભાવિત થયેલા બાળકો અને પુખ્ત વયના લોકો અત્યંત ગંભીર માનસિક વેદના અને આઘાતમાંથી પસાર થઈ રહ્યા છે. હાલના તબક્કે પણ નેપાળમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
નેપાળમાં પૂરનો વિનાશ અને વધતો મૃત્યુઆંક
નેપાળ-તિબેટ સરહદ નજીક બરફ અને ખડકોના હિમપ્રપાતને કારણે આ પૂર આવ્યું હતું, જેના પરિણામે ઉત્તર અને મધ્ય નેપાળના અનેક શહેરો અને ગામડાઓમાં ભારે તારાજી સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક ઓછામાં ઓછો 1,259 સુધી પહોંચી ગયો છે, જ્યારે 12,000 થી વધુ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં સફળતા મળી છે અને હજુ પણ લગભગ ૫,૦૦૦ લોકો ગુમ હોવાનું મનાય છે.
ગુમ થયેલા ભારતીયોની ઓળખ માટે કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ પગલું
ગુમ થયેલા ભારતીયો અને પીડિતોના મૃતદેહોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારે એક મોટું અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, નેપાળમાં ભારતીય દૂતાવાસે મૃતદેહોની ઓળખ પ્રક્રિયા અંગેની વિગતો પહેલેથી જ શેર કરી દીધી છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ભારતમાં રહેતા ગુમ થયેલા લોકોના પ્રથમ-ડિગ્રી જૈવિક સંબંધીઓ (જેવા કે માતા, પિતા, પુત્ર, પુત્રી કે ભાઈ-બહેન) માટે ડીએનએ પ્રોફાઇલ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે.
https://twitter.com/IndiaInNepal/status/2095582843951018077
ડીએનએ પ્રોફાઇલિંગ પ્રક્રિયા અને સહાયતા માટે હેલ્પલાઇન નંબર
આ હેતુસર કેન્દ્ર અને રાજ્ય ફોરેન્સિક પ્રયોગશાળાઓ, નેશનલ યુનિવર્સિટી ઓફ ફોરેન્સિક સાયન્સ તેમજ NABL-માન્યતા પ્રાપ્ત લેબ્સ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. નેપાળ પોલીસની સલાહ મુજબ ઓટોસોમલ STR DNA પ્રોફાઇલિંગ કરી શકાશે, જે નેપાળ દ્વારા નિર્ધારિત તકનીકી ધોરણોનું પાલન કરે. પરિવારજનોના જૈવિક નમૂનાઓ એકત્રિત કરીને તૈયાર કરાયેલ ડીએનએ પ્રોફાઇલ [email protected] પર મોકલી શકાય છે. આ સાથે સંકલન માટે ભારતીય દૂતાવાસના ઇમેઇલ [email protected] પર પણ એક નકલ મોકલવાની રહેશે. સહાયતા માટે હેલ્પલાઇન નંબર +977 9841 6160 95 પણ જારી કરવામાં આવ્યો છે. નેપાળમાં મળી આવેલા અજાણ્યા મૃતદેહોની ઝડપી ઓળખ માટે આ વ્યવસ્થા અત્યંત સહાયરૂપ સાબિત થશે.
આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: તહેવારોમાં શું છે પેટ્રોલ ડીઝલના ભાવ? જાણો દિલ્હીથી લઈને ગુજરાત સુધીના લેટેસ્ટ રેટ