આ કુદરતી આપત્તિ બાદ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. નેપાળ વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મોત થયા છે. ગયા અઠવાડિયે આવેલા ભયંકર પૂરના કારણે ઉત્તર અને મધ્ય નેપાળના અનેક ગામો અને નગરો ભારે અસરગ્રસ્ત થયા હતા. અનેક વિસ્તારોમાં હજુ પણ કાટમાળ અને કાદવ વચ્ચે ફસાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.

પૂરનું પાણી કેટલાક વિસ્તારોમાંથી ઓસરવા લાગ્યું છે, પરંતુ તબાહીના નિશાન હજુ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. અનેક સ્થળોએ મકાનો અને રસ્તાઓને ભારે નુકસાન થયું છે. સૌથી મોટી ચિંતા એ છે કે કેટલાય લોકો હજુ પણ કાટમાળ અને કાદવની નીચે ફસાયેલા હોવાની આશંકા છે. આવી સ્થિતિમાં રાહત અને બચાવ ટીમો માટે દરેક ક્ષણ મહત્વપૂર્ણ બની ગઈ છે.

કાટમાળમાં ફસાયેલા લોકોને શોધી રહી છે NDRF

નેપાળમાં બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે ભારતે 11 સભ્યોની NDRF ટેક્નિકલ ટીમ મોકલી છે. આ ટીમ સ્થાનિક બચાવ દળો સાથે મળીને એવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, જ્યાં લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની શક્યતા છે.

https://twitter.com/ANI/status/2096095721418260791

અધિકારીઓના જણાવ્યા અનુસાર, NDRF ટીમને દોરડાની મદદથી બચાવ કામગીરી કરવાનો તેમજ કાદવથી ભરેલી અને મુશ્કેલ સુરંગોમાં જઈને લોકોને શોધવાનો અનુભવ છે. હાલ આ ટીમ રસુવા જિલ્લામાં આવેલા ચિલિમે હાઇડ્રોપાવર પ્લાન્ટ વિસ્તારમાં તૈનાત છે. મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિ અને ભારે કાદવ વચ્ચે ટીમ દ્વારા સઘન શોધખોળ કરવામાં આવી રહી છે.

સરહદ નજીકથી શરૂ થઈ હતી તબાહી

નેપાળમાં આ વિનાશક પૂરનો આરંભ નેપાળ-તિબેટ સરહદ નજીક બરફ અને ખડકોના હિમસ્ખલન બાદ સર્જાયેલી અચાનક પૂરની ઘટનાથી થયો હતો. ફ્લેશ ફ્લડ એટલી ઝડપથી આવી કે ઉત્તર અને મધ્ય નેપાળના અનેક ગામો અને નગરોને સંભાળવાનો સમય પણ મળ્યો નહીં.

26 ઓગસ્ટે બનેલી આ દુર્ઘટના બાદ ભારત સતત નેપાળના રાહત અને બચાવ અભિયાનમાં મદદ કરી રહ્યું છે. NDRFની ટીમ પણ આ આંતરરાષ્ટ્રીય સહાયનો મહત્વપૂર્ણ ભાગ બનીને બચાવ કામગીરીમાં જોડાઈ છે.

મોતનો આંકડો ડરામણો

1,344 લોકોના મોતનો આંકડો આ આપત્તિની ભયાનકતા દર્શાવે છે. અનેક પરિવારોએ પોતાના ઘર ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. પૂરનું પાણી ઓસર્યા બાદ પણ કાટમાળ સાફ કરવામાં અને ગુમ થયેલા લોકોને શોધવામાં લાંબો સમય લાગી શકે છે.

સામાન્ય જનજીવન શરૂ થતા લાગશે સમય

નેપાળના લોકો માટે આ દુર્ઘટના માત્ર એક કુદરતી આપત્તિ નથી, પરંતુ જીવનભર યાદ રહે તેવી એક મોટી ત્રાસદી બની ગઈ છે. હાલ બચાવ કામગીરી સાથે અસરગ્રસ્ત લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડવા અને સામાન્ય જનજીવન ફરી શરૂ કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Weather Update: દિલ્હી-NCRમાં ભારે વરસાદનું રેડ અલર્ટ, જાણો દેશભરમાં કેવુ રહેશે હવામાન