નેપાળમાં અત્યારે તંગદિલી છે. ભારે વિરોધને લઇને દિલ્હીથી કાઠમંડુ જતી ફ્લાઇટ રદ કરવામાં આવી છે. નેપાળના પૂર્વ રાષ્ટ્રપતિ હોય કે સંસદ ભવન. સરકારી ઇમારતોમાં ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. પીએમ કેપી ઓલીએ તો રાજીનામુ આપી દીધુ છે. તેઓ કાઠમંડુમાંથી નીકળી ગયા છે. સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવવા માટે GEN Z દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જેને લઇને સ્થિતિ એટલી વણસી કે 20 જેટલા લોકોના મોત થયા. જ્યારે પીએમ, મંત્રીઓ તથા એરપોર્ટ પર પણ આગચંપી કરવામાં આવી.
નેપાળમાં હિંદુ વધારે કે મુસ્લિમ ?
આ બધા વચ્ચે મનમા સવાલ એ પણ થાય કે નેપાળમાં મુસ્લિમ રહે છે ખરા ? જો હા તો કેટલા ? હિંદુઓની સંખ્યા કેટલી છે. તેઓની સામાજિક, રાજનીતિક અને આર્થિક સ્થિતિ કેવી છે ? તો ચાલો જાણીએ નેપાળમાં હિંદુ મુસ્લિમની સંખ્યા કેટલી છે અને કેટલા ધર્મ પાળવામાં આવે છે.
નેપાળમાં કેટલા હિન્દુ અને કેટલા મુસ્લિમ છે?
નેપાળની 2021ની વસ્તી ગણતરી મુજબ દેશની કુલ વસ્તી લગભગ 2.97 કરોડ છે, જેમાં કુલ વસ્તીના 81.19 ટકા હિન્દુ છે એટલે કે લગભગ 2 કરોડ 36 લાખ લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે. નેપાળ એક સમયે વિશ્વનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતું પરંતુ હવે તે એક ધર્મનિરપેક્ષ દેશ બની ગયું છે.જોકે 2011ની તુલનામાં હિન્દુ વસ્તીમાં થોડો ઘટાડો થયો છે.
નેપાળમાં મુસ્લિમોની વાત કરીએ તો, નેપાળમાં ત્રીજા ક્રમની સૌથી મોટી ધાર્મિક વસ્તી છે. 2021 ની વસ્તી ગણતરી મુજબ, 5.09 ટકા લોકો મુસ્લિમ છે. એટલે કે, લગભગ 14 લાખ 83 હજાર લોકો ઇસ્લામ ધર્મનું પાલન કરે છે. 2011 માં આ સંખ્યા 4.4 ટકા હતી. જે હવે વધીને 5.09 ટકા થઈ ગઈ છે, એટલે કે, 0.69 ટકાનો વધારો થયો છે. નેપાળમાં મોટાભાગના સુન્ની મુસ્લિમો રહે છે અને તેઓ મુખ્યત્વે તરાઈ ક્ષેત્રમાં સ્થાયી થાય છ જે ભારતની સરહદને અડીને આવેલો વિસ્તાર છે. મુસ્લિમ વસ્તીના 95 ટકા લોકો અહીં રહે છે.
નેપાળમાં કયા ધર્મના લોકો રહે છે ?
- નેપાળમાં બૌદ્ધ ધર્મ બીજા ક્રમનો સૌથી મોટો ધર્મ છે. નેપાળ બુદ્ધનું જન્મસ્થળ છે. તેથી બૌદ્ધ ધર્મનો પણ અહીં મોટો પ્રભાવ છે. જેમાં કુલ વસ્તીના 8.2 ટકા લોકો બૌદ્ધ ધર્મમાં માને છે. તેમની સંખ્યા લગભગ 23 લાખ 94 હજાર છે.
- છેલ્લા કેટલાક વર્ષોમાં બૌદ્ધ વસ્તીમાં 0.79 ટકાનો ઘટાડો થયો છે.
- નેપાળના મૂળ આદિવાસી સમુદાયોમાં કિરાત ધર્મનું પાલન કરવામાં આવે છે. વસ્તી ગણતરીમાં તેનો હિસ્સો લગભગ 3 ટકાથી ઓછો છે. આ ધર્મમાં 0.17 ટકાનો વધારો થયો છે.
- નેપાળમાં ખ્રિસ્તીઓની વસ્તી હજુ પણ ખૂબ ઓછી છે પરંતુ છેલ્લા દાયકામાં તેમાં 0.36 ટકાનો વધારો થયો છે.
- જોકે નેપાળ હજુ પણ હિન્દુ બહુમતી ધરાવતો દેશ છે.
- પરંતુ છેલ્લા વર્ષોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે કે અહીં ધાર્મિક વિવિધતા વધી રહી છે.