ગયા અઠવાડિયે નેપાળ અને તિબેટની સરહદ પર આવેલા વિનાશક પૂર અને પ્રલયને લઈને એક મોટો ખુલાસો થયો છે. આ કુદરતી આપત્તિનું મુખ્ય કારણ બનેલા ગ્લેશિયર તૂટી પડવાની અત્યંત દુર્લભ ક્ષણ ડ્રોન કેમેરામાં કેપ્ચર થઈ છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. આ ભયાનક ફૂટેજ સમુદ્ર સપાટીથી ૭,૨૦૦ મીટરથી વધુ ઊંચાઈએથી એક ચીની ફોટોગ્રાફરે લીધા હોવાનું સામે આવ્યું છે.

ગ્લેશિયર તૂટવાનો વીડિયો થયો વાયરલ

વાયરલ થઈ રહેલા આ ડ્રોન વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઊંચા લેંગટાંગ લિરુંગ શિખર નજીક આવેલી હિમનદી (ગ્લેશિયર) નો એક વિશાળકાય ભાગ અચાનક જ તૂટી પડે છે અને ભારે ગતિ સાથે નીચે ખીણ તરફ ધસી આવે છે. ગ્લેશિયર પડવાની સાથે જ હવામાં ધૂળ અને બરફના ગોટેગોટા ઉડે છે, જે આ કુદરતી વિસ્ફોટની ભયાનકતા બયા કરવા માટે પૂરતા છે.
https://twitter.com/wang1644/status/2093172583575523426

કાટમાળનો પ્રવાહ 1200 મીટર નીચે ત્રાટક્યો

તપાસ અનુસાર, ગ્લેશિયર તૂટ્યા બાદ બરફ, પ્રચંડ ખડકો, કાદવ અને ભારે કાટમાળનો વિશાળ પ્રવાહ આશરે 1200 મીટર નીચે સીધો ખીણમાં ત્રાટક્યો હતો. આ હિમપ્રપાત અને તેના કારણે સર્જાયેલા જળપ્રલયને કારણે ભોટેકોશી અને ત્રિશુલી નદીઓનું પાણી અચાનક બેકાબૂ બનીને છલકાઈ ગયું હતું, જેના પરિણામે આસપાસના સમગ્ર વિસ્તારો પૂરના પાણીમાં ડૂબી ગયા હતા.

ગ્લેશિયર તૂટવાને કારણે 900થી વધુએ ગુમાવ્યા જીવ

તારીખ 26 ઓગસ્ટના રોજ બનેલી આ ઘટનાએ નેપાળમાં વ્યાપક તારાજી સર્જી છે. ખાસ કરીને નેપાળનો ધાડિંગ જિલ્લો અને તેની આસપાસના વિસ્તારો ગંભીર રીતે પ્રભાવિત થયા છે. તાજેતરના અહેવાલો મુજબ, આ પ્રલયકારી પૂર અને ભૂસ્ખલનને કારણે 903 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે હજુ પણ મોટી સંખ્યામાં લોકો લાપતા છે. આ ઉપરાંત, તિબેટ ક્ષેત્રમાં પણ આ દુર્ઘટનાને કારણે 16 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. વૈજ્ઞાનિકો અને રાહત ટીમો માટે આ ડ્રોન વીડિયો પૂરના અચાનક આવેલા આક્રમક સ્વરૂપને સમજવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ  Madhya Pradesh : ચિત્રકૂટમાં પૂરનો કહેર, ડોડા ડેમ ઓવરફ્લો થતા અનેક ગામો અને રેલવે ટ્રેક ડૂબ્યા