ભારત અને પાડોશી દેશ નેપાળ વચ્ચેનો સરહદ વિવાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. નેપાળની સંસદમાં વડાપ્રધાન બાલેન શાહના નિવેદન બાદ સર્જાયેલો વિવાદ હજુ શાંત પડ્યો નહોતો, ત્યાં શાસક પક્ષ RSS ના અધ્યક્ષ રવિ લામિછાને નવી દિલ્હી પહોંચ્યા છે અને સરહદ વિવાદના ઉકેલ માટે પ્રયાસો કરી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે ૯૮ ટકા સરહદ વિવાદો ઉકેલાઈ ગયા છે. જોકે, કેટલીક નદીઓના માર્ગ બદલાવાને કારણે અમુક વિસ્તારોમાં હજુ પણ મતભેદો પ્રવર્તે છે, જેને પરસ્પર વાતચીત દ્વારા સરળતાથી ઉકેલી શકાય તેમ છે.


શું છે સુગૌલી સંધિ?

ભારત અને નેપાળ વચ્ચે ૧૭૫૧ કિલોમીટર લાંબી ખુલ્લી સરહદ છે. આ સરહદનો પાયો ૪ માર્ચ ૧૮૧૬ના રોજ બ્રિટિશ શાસન અને નેપાળ વચ્ચે થયેલી 'સુગૌલી સંધિ' (Treaty of Sugauli) પર આધારિત છે. તે સમયે નદીઓને કેન્દ્રમાં રાખીને સરહદો નક્કી કરવામાં આવી હતી. સંધિ દરમિયાન નેપાળના તત્કાલીન મહારાજા વિક્રમ સાહે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને કાલી અને રાપ્તી નદીઓ વચ્ચેનો નીચલો વિસ્તાર દાનમાં આપ્યો હતો. વિભાજન બાદ નેપાળનું કુલ ક્ષેત્રફળ ૧,૪૭,૦૦૦ ચોરસ કિલોમીટર હતું.

આ ૩ નદીઓના રૂટ બદલાવાથી વધ્યો વિવાદ:

૧. ગંડક નદી (નારાયણી): તિબેટમાંથી નીકળી નેપાળ થઈને ગંગામાં મળતી આ આશરે ૭૦૦ કિમી લાંબી નદી ભારત (યુપી-બિહાર) અને નેપાળ વચ્ચે સરહદ નક્કી કરે છે. પરંતુ 'સુસ્તા' ક્ષેત્રમાં આ નદીએ પોતાનો પ્રવાહ બદલી નાખ્યો હોવાથી સરહદી રેખાને લઈને વિવાદ ઊભો થયો છે.

૨. જમુની નદી: બિહારના મધુબની જિલ્લા અને નેપાળની સરહદ નક્કી કરતી આ નદીએ પણ છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાનો માર્ગ બદલ્યો છે. નદીનો પટ બદલાતા ખાલી થયેલી જમીન પર બંને દેશોના સ્થાનિકોએ પોતપોતાની રીતે અતિક્રમણ કરી લીધું છે.

૩. સિરસિયા નદી: નેપાળી ભૂગોળવિદોના મતે રક્સૌલ અને બીરગંજ વચ્ચે વહેતી આ નદી સુગૌલી સંધિ વખતે બિલકુલ સીધી વહેતી હતી. હવે તેણે દિશા બદલી નાખતાં નદી કિનારાની જમીનો પર ભારત અને નેપાળના ખેડૂતો વચ્ચે કબ્જાની લડાઈ શરૂ થઈ છે.

કાલાપાની અને મહાકાલી નદીનો વિવાદ

આ ઉપરાંત, બંને દેશો વચ્ચે મહાકાલી નદીના ઉદ્ગમ સ્થાનને લઈને પણ મોટો વિવાદ છે. સંધિ મુજબ નદીની પૂર્વનો ભાગ નેપાળનો અને પશ્ચિમનો ભાગ ભારતનો ગણાય, પરંતુ તેમાં ઉદ્ગમ સ્થાનનો ઉલ્લેખ નથી. નેપાળ કાલાપાનીનું ઉદ્ગમ સ્થાન લિમ્પિયાધુરા પાસે હોવાનો દાવો કરીને ૩૩૨ ચોરસ કિલોમીટર વિસ્તાર પર પોતાનો હક જતાવશે, જ્યારે ભારતનું કહેવું છે કે નદીનું ઉદ્ગમ કાલાપાની પાસેના ઝરણામાંથી થાય છે. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ દ્વિપક્ષીય મામલાઓમાં કોઈ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નથી.

આ પણ વાંચો:Marco Rubio On India Pakistan War: ભારત યાત્રા બાદ અમેરિકા પહોંચતા જ માર્કો રુબિયોના બદલાયા સુર

  • Follow us on: