નેપાળ હાલમાં એક તરફ ગંભીર પૂર અને કુદરતી આફતોનો સામનો કરી રહ્યું છે, તો બીજી તરફ દેશના રાજકારણમાં વડાપ્રધાનના વિદેશ પ્રવાસને લઈને અટકળોનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન નેપાળના નાણામંત્રી સ્વર્ણિમ વાગલેએ એક મોટું નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે, નેપાળના વડા પ્રધાન બાલેન શાહ પદ સંભાળ્યા પછીનો પોતાનો પ્રથમ વિદેશ પ્રવાસ ભારતનો જ કરશે. સરકાર આ મુલાકાતને ચાલુ વર્ષના અંત પહેલા આખરી સ્વરૂપ આપવાની યોજના ધરાવી રહી છે.

નાણામંત્રીએ આપ્યું નિવેદન

રાજધાની કાઠમંડુમાં એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં બોલતા નાણામંત્રી વાગલેએ જણાવ્યું હતું કે, પીએમ બન્યા બાદ બાલેન શાહનું સમગ્ર ધ્યાન સ્થાનિક મુદ્દાઓ અને દેશના વિકાસ પર કેન્દ્રિત હતું. તેમણે સરકારના શરૂઆતના 100 દિવસના એજન્ડા પર ભાર મૂકતા દાવો કર્યો કે તેઓએ તેના પર ૮૭.૨ ટકા જેટલું ઉત્તમ કામ કર્યું છે. હવે સ્થાનિક કામો પૂર્ણ થયા બાદ પીએમ શાહની વિદેશ યાત્રાઓ પર ચર્ચા શરૂ કરી દેવામાં આવી છે. જોકે, હજુ સુધી ચોક્કસ તારીખો નક્કી કરવાની બાકી છે, પરંતુ આ મુલાકાત આ વર્ષના અંત પહેલા યોજાય તેવી પ્રબળ સંભાવના છે.

બાલેન શાહની રહેશ પ્રથમ મુલાકાત ભારત

વાગલેના આ નિવેદનની પ્રશંસા કરતા કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભારત અને નેપાળના સંબંધોનો પાયો અત્યંત મજબૂત છે અને બંને દેશોને ભૌગોલિક કે પાસપોર્ટની સીમાઓથી અલગ કરી શકાતા નથી. પીએમ શાહની પ્રથમ વિદેશ મુલાકાત ભારતની રહેશે તેવી જાહેરાત બંને દેશો વચ્ચેના મધુર સંબંધોની સાક્ષી પૂરે છે.

પીએમ બન્યા બાદ આ પહેલી વિદેશયાત્રા

ઉલ્લેખનીય છે કે, ૩૬ વર્ષીય એન્જિનિયર અને રેપર બાલેન શાહ ગત વર્ષે કાઠમંડુના મેયર તરીકે ચર્ચામાં આવ્યા હતા અને આ વર્ષે 27 માર્ચે સામાન્ય ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ તેમણે નેપાળના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. સામાન્ય રીતે નેપાળના વડાપ્રધાનો પદ સંભાળતાની સાથે જ ભારત કે ચીનની મુલાકાતે જતા હોય છે, પરંતુ બાલેન શાહે આ પરંપરા તોડી છે અને પાંચ મહિનાથી વધુ સમય વીતી જવા છતાં તેમણે હજુ સુધી કોઈ વિદેશ યાત્રા કરી નથી.

વડાપ્રધાનને સત્તાવાર આમંત્રણ મોકલાયું હતુ

ગયા મહિને ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પુષ્ટિ કરી હતી કે ભારતે નેપાળી વડાપ્રધાનને સત્તાવાર આમંત્રણ મોકલી આપ્યું છે, જેને તેમણે સ્વીકારી પણ લીધું છે. હવે નાણામંત્રીની તાજેતરની જાહેરાત બાદ ટૂંક સમયમાં જ પીએમ શાહની ભારત યાત્રાની તારીખો જાહેર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ Weather Update: ક્યાંક રાહત તો ક્યાંક વરસાદનું જોખમ, 2 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી