નેપાળમાં જનરલ-ઝેડના નેતૃત્વમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનો બાદ ઉદ્ભવેલા રાજકીય સંકટ વચ્ચે, રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે વર્તમાન સંસદ ભંગ કરી દીધી છે અને ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાની સરકારના વડા બનાવવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ સાથે આર્મી ચીફ જનરલ અશોક રાજ સિગ્ડેલની હાજરીમાં જનરલ-ઝેડ જૂથોની બેઠકમાં, સુશીલા કાર્કીને વચગાળાની સરકારના વડા બનાવવા પર સંમતિ સધાઈ હતી. તેઓ આજે રાત્રે 8:45 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેશે.


જનરલ-ઝેડના નેતૃત્વમાં દેશવ્યાપી હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા


તમને જણાવી દઈએ કે ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધને લઈને 8 અને 9 સપ્ટેમ્બરના રોજ જનરલ-ઝેડના નેતૃત્વમાં દેશવ્યાપી હિંસક વિરોધ પ્રદર્શનોને કારણે વડા પ્રધાન કેપી શર્મા ઓલીને રાજીનામું આપવાની ફરજ પડી હતી. જનરલ-ઝેડના પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે વર્તમાન સંસદ ભંગ કરવામાં આવે અને આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓ સુધી દેશમાં વચગાળાની સરકાર બનાવવામાં આવે, જેને રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે સેના પ્રમુખ સાથે પરામર્શ કર્યા પછી સ્વીકારી લીધી.


2009માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા હતા


સુશીલા કાર્કીએ 1979માં બિરાટનગરમાં વકીલ તરીકે પોતાની કાનૂની કારકિર્દી શરૂ કરી હતી અને 2009માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા હતા. તેઓ 2016માં નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. ભ્રષ્ટાચાર સામે તેમના અતૂટ વલણ માટે તેમને ઓળખવામાં આવ્યા હતા, ખાસ કરીને વર્તમાન મંત્રી જય પ્રકાશ ગુપ્તાને ભ્રષ્ટાચારના આરોપોમાં દોષિત ઠેરવવા અને તેમને કેદનો આદેશ આપવા બદલ તેમની પ્રશંસા થઇ હતી


રાજકીય પક્ષોમાં સંસદ ભંગ કરવા માટે પણ સર્વસંમતિ


સૂત્રોના જણાવ્યા અનુસાર, નેપાળના રાજકીય પક્ષોમાં સંસદ ભંગ કરવા માટે પણ સર્વસંમતિ બની છે. સંસદ ભંગ કરવાનો અર્થ એ છે કે પરિસ્થિતિ સામાન્ય થયા પછી ત્યાં પણ ચૂંટણીઓ યોજાશે. નેપાળના પ્રતિનિધિ ગૃહના અધ્યક્ષ દેવરાજ ઘિમિરે અને ઉપલા ગૃહ રાષ્ટ્રીય સભાના અધ્યક્ષ નારાયણ દહલે શુક્રવારે વર્તમાન રાજકીય ગતિરોધને બંધારણના દાયરામાં ઉકેલવા હાકલ કરી હતી. ઘિમિરે અને દહલનું સંયુક્ત નિવેદન એવા દિવસે આવ્યું જ્યારે રાષ્ટ્રપતિ કાર્યાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી હતી. તે જ બેઠકમાં, સુશીલા કાર્કીને દેશના કાર્યકારી વડા પ્રધાન બનાવવા માટે પણ સર્વસંમતિ બની હતી.

51 લોકોના મોત

નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ સામે Gen Z વિરોધ પ્રદર્શનમાં એક ભારતીય નાગરિક સહિત ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા છે. 1997 થી 2012 ની વચ્ચે જન્મેલા યુવાનોને સામાન્ય રીતે Gen Z પેઢી તરીકે ઓળખવામાં આવે છે. યુવાનોએ કહ્યું કે સરકાર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકીને દેશમાં સરમુખત્યારશાહી લાવવાનો પ્રયાસ કરી રહી છે.

  • Follow us on: