ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાનને લઈને ફરી એકવાર આકરું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હવે ઈરાન તરફથી ઊભા થતા જોખમને હંમેશાં માટે ખતમ કરવાનો સમય આવી ગયો છે.

શનિવારે નવી સરકારની રચનાને લઈને આપેલા ભાષણમાં નેતન્યાહૂએ આ વાત કહી હતી. તેમનો આરોપ છે કે ઈરાન ફરી એકવાર પોતાનો પરમાણુ કાર્યક્રમ શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે ઇઝરાયેલ માટે જોખમી છે.

નેતન્યાહૂએ કહ્યું કે ઈરાનની સરકાર ઇઝરાયેલને ખતમ કરવા માગે છે. તેમણે આરોપ લગાવ્યો કે આ સરકારે પોતાના જ હજારો નાગરિકોની હત્યા કરી છે. આવી સ્થિતિમાં તે ઇઝરાયેલ સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતાં પણ અચકાશે નહીં.

તેમણે કહ્યું કે ઈરાન ફરી યુરેનિયમનું સંવર્ધન (Enrichment) શરૂ કરશે અને પરમાણુ હથિયારો બનાવવાની પ્રક્રિયા ઝડપી બનાવશે તો ઇઝરાયેલ માટે જોખમ વધી જશે. તેથી આ જોખમને કાયમી ધોરણે ખતમ કરવું જરૂરી છે.

આઇઝનકોટ સાથેની મુલાકાત બાદ એકતા સરકારની વાત

નેતન્યાહૂએ જણાવ્યું કે ગુરુવારે તેમણે વિપક્ષના નેતા ગાદી આઇઝનકોટ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ તેમનું માનવું છે કે વર્તમાન પરિસ્થિતિમાં ઇઝરાયેલના તમામ મુખ્ય રાજકીય પક્ષોને સાથે લઈને રાષ્ટ્રીય એકતાની સરકાર બનાવવી જોઈએ.

ગયા મહિને યોજાયેલી ચૂંટણીમાં નેતન્યાહૂની લિકુડ પાર્ટી અને તેના સહયોગી પક્ષોને સંસદની કુલ 120 બેઠકોમાંથી 53 બેઠકો મળી હતી. સરકાર બનાવવા માટે 61 બેઠકોની જરૂર છે. બીજી તરફ, આઇઝનકોટની યાશર પાર્ટી અને તેના સહયોગીઓને 48 બેઠકો મળી હતી, જ્યારે આરબ પક્ષોના ગઠબંધનને 19 બેઠકો મળી હતી.

આરબ પક્ષો સાથે સરકાર બનાવવાનો વિરોધ

નેતન્યાહૂએ સવાલ ઉઠાવ્યો કે આઇઝનકોટ આરબ પક્ષો સાથે મળીને સરકાર શા માટે બનાવવા માગે છે. તેમણે આવી સરકારને નબળી અને જોખમી ગણાવી હતી. નેતન્યાહૂ ઇચ્છે છે કે આઇઝનકોટ તેમની સાથે સમજૂતી કરે, જેથી આરબ પક્ષો વિના બહુમતીની સરકાર બનાવી શકાય.

તેમણે આરબ પક્ષો પર ચૂંટણી ચોરવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને આતંકવાદના સમર્થક ગણાવ્યા હતા. નેતન્યાહૂના મતે, નાની સરકાર અથવા આરબ પક્ષોના સમર્થનથી ચાલતી સરકાર ઈરાનના જોખમને ખતમ કરી શકશે નહીં. આ માટે રાષ્ટ્રીય એકતાની સરકાર જરૂરી છે. તેમણે કહ્યું કે આવી સરકાર આગામી ઘણાં વર્ષો સુધી ઇઝરાયેલની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે.

આ પણ વાંચો : https://sandesh.com/d