દક્ષિણ નાઇજીરિયામાં સોમવારે એક મિલિટરી એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. તેમાં 25 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 32 લોકો સવાર હતા. ઘટના બાદ તાત્કાલિક સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, હજુ સુધી આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તેની માહિતી સામે આવી નથી.
નાઇજીર્યાના નાગરિક ઉડ્ડયન મંત્રી ફેસ્ટસ કેયામોએ એક નિવેદનમાં જણાવ્યું કે, આ એરક્રાફ્ટ નાઇજીરીયાના આર્થિક કેન્દ્ર લાગોસ માટે એક નિયમિત મિશન પર હતું. તે દરમિયાન ઓન્ડો રાજ્યના ઇગ્બોકોડા વિસ્તારમાં એરક્રાફ્ટ ક્રેશ થયું હતું.
નાઇજીરિયન એરફોર્સે એરક્રાફ્ટની ઓળખ ATR-42 તરીકે કરી છે અને જણાવ્યું છે કે ઘટનાની જાણ થતાં જ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, એરક્રાફ્ટને કેટલું નુકસાન થયું છે તે અંગે તાત્કાલિક કોઈ માહિતી મળી નથી.
સવારે 9 વાગ્યે રડાર પરથી ગાયબ થયું હતું મિલિટરી એરક્રાફ્ટ
કેયામોએ જણાવ્યું કે એરક્રાફ્ટ સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 9 વાગ્યે રડાર પરથી ગાયબ થયું હતું. ત્યારબાદ જાણવા મળ્યું કે ઓન્ડો રાજ્યથી લાગોસ તરફની મુસાફરી દરમિયાન જ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું.
મીડિયા અહેવાલો અનુસાર, ઓન્ડો સ્ટેટ પોલીસ કમાન્ડના પ્રવક્તા ડીએસપી અબાયૉમી જિમોહે અકુરેમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે ઘટનાને લગતી વધુ વિગતો હજુ સામે આવી રહી છે અને સમગ્ર સ્થિતિ જાણવા માટે પ્રયાસો ચાલુ છે.
જિમોહે લોકોને, ખાસ કરીને ઇગ્બોકોડા અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને શાંતિ જાળવવા અને ચકાસણી વગરની માહિતી ફેલાવવાથી બચવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે વધુ વિશ્વસનીય માહિતી મળતાની સાથે જ લોકોને તેની જાણ કરવામાં આવશે.
બેનિનથી લાગોસના મિશન પર હતું મિલિટરી એરક્રાફ્ટ
સંબંધિત અધિકારીઓ અને ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીઓ સાથે મળીને સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે. નાઇજીરિયન એરફોર્સે જણાવ્યું છે કે સર્ચ અને રેસ્ક્યૂ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.