નાઈજીરિયાના દક્ષિણી રાજ્ય ઓન્ડોમાં ઝેરી દેશી દારૂ પીવાથી 48 લોકોના મોત થયા છે. આ સાથે જ 100થી વધુ લોકો ગંભીર રીતે બીમાર છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. વહીવટીતંત્રે આ વિસ્તારમાં ઝેરી દારૂ અંગે તપાસ અભિયાન શરૂ કર્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોમાં ઓન્ડો રાજ્યના ઓડિગ્બો અને આઈરેલે સ્થાનિક સરકારી વિસ્તારોમાં બની હતી.


દેશી દારૂ પીધા બાદ ઘણા લોકો બીમાર પડવા લાગ્યા હતા. શરૂઆતમાં તેમને ઝાંખું દેખાવું, ઉલટી અને માથાનો દુખાવો જેવા લક્ષણો જણાયા હતા, જે અંતે જીવલેણ સાબિત થયા. 'એસોસિએટેડ પ્રેસ'ના અહેવાલ મુજબ, ઓન્ડો રાજ્યના આરોગ્ય કમિશનર બાંજી અજાકાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ 100થી વધુ દર્દીઓમાંથી ઘણાની હાલત ગંભીર છે. બીમાર લોકોના જીવ બચાવવા માટે ડોક્ટરોની ટીમ સતત પ્રયાસો કરી રહી છે.


પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં નવા દર્દીઓની ઓળખ કરવા અને તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે વિશેષ તબીબી સહાયક ટીમો તૈનાત કરવામાં આવી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તપાસ શરૂ કરી છે. ઓન્ડો પોલીસના પ્રવક્તા અબાયોમી જીમોહના જણાવ્યા અનુસાર, આ કેસના સંબંધમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિઓમાંથી એક પર ઝેરી દારૂ બનાવવાનો આરોપ છે.


આશંકા છે કે દારૂમાં મેથેનોલ જે માનવ શરીર માટે અત્યંત ઝેરી રસાયણ છે જે ભેળવવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ હાલમાં ચાલી રહી છે. પોલીસ અને આરોગ્ય વિભાગ હવે ઝેરી દારૂ ક્યાં સપ્લાય કરવામાં આવ્યો હતો તે શોધવા માટે કામ કરી રહ્યા છે જેથી ભવિષ્યની દુર્ઘટનાઓને અટકાવી શકાય. ઓન્ડો વહીવટીતંત્રે સ્થાનિક લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ શંકાસ્પદ અથવા અપ્રમાણિત દેશી દારૂનું સેવન ન કરે.

આ પણ વાંચો: રોજ કરો આ ફળના બિયાંનુ સેવન, રોગ પ્રતિકારક મજબૂત થવાની સાતે વધશે લોહી