વૈશ્વિક રાજકારણમાં જ્યારે પણ મોટા ફેરફારો થાય છે, ત્યારે પાડોશી દેશ પાકિસ્તાન ઘણીવાર ચર્ચામાં રહેવા માટે અનોખા દાવા કરતું હોય છે. તાજેતરમાં જ્યારે અમેરિકાએ ઈરાન સામે ૧૫ દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી, ત્યારે પાકિસ્તાની ટીવી ચેનલો અને પેનલિસ્ટોએ આ સમગ્ર ઘટનાક્રમનો શ્રેય પોતાના નેતૃત્વને આપવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહીં, હવે પાકિસ્તાનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને 'નોબેલ શાંતિ પુરસ્કાર' આપવાની માંગ પણ જોર પકડી રહી છે.

શું છે સમગ્ર મામલો?

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાન પરના હુમલાઓ પર 15 દિવસની રોક લગાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે પોતાના નિવેદનમાં ઉલ્લેખ કર્યો હતો કે તેમણે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરની વિનંતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ટ્રમ્પના આ એક વાક્યને પકડીને પાકિસ્તાની મીડિયામાં તેને પાકિસ્તાનનો બહુ મોટો રાજદ્વારી વિજય ગણાવવામાં આવી રહ્યો છે.

ટીવી ચેનલો પર નોબેલની ચર્ચા

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ARY પર એક ચર્ચા દરમિયાન પેનલિસ્ટોએ દાવો કર્યો હતો કે વિશ્વમાં અત્યારે શાહબાઝ શરીફ અને અસીમ મુનીરથી વધુ યોગ્ય નોબેલ શાંતિ પુરસ્કારના કોઈ ઉમેદવાર નથી. પેનલિસ્ટોના મતે, આ બંને નેતાઓએ દુનિયાને મોટા યુદ્ધના મુખમાંથી બચાવી લીધી છે, તેથી વિશ્વના નેતાઓએ તાત્કાલિક તેમના નામ નોબેલ માટે નામાંકિત કરવા જોઈએ. સોશિયલ મીડિયા પર આ માંગણીને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, જેમાં કેટલાક લોકો તેને ગર્વની વાત ગણાવી રહ્યા છે તો કેટલાક તેને હાસ્યાસ્પદ માની રહ્યા છે.

વાસ્તવિકતા અને અનિશ્ચિતતા

જોકે, આ આશાવાદ વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ રહી છે. ખુદ અમેરિકામાં પણ આ યુદ્ધવિરામને લઈને વિવાદો ચાલી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બીજા જ દિવસે સ્પષ્ટ કર્યું હતું કે તેમના દળો કોઈપણ મોટી કાર્યવાહી માટે સંપૂર્ણ તૈયાર છે. યુદ્ધવિરામનું ભવિષ્ય હજુ પણ અનિશ્ચિતતાના વાદળોમાં ઘેરાયેલું છે. પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાનારી સંભવિત વાટાઘાટો અંગે પણ હજુ સુધી કોઈ નક્કર પરિણામો સામે આવ્યા નથી. આમ, એક તરફ જ્યાં પાકિસ્તાની મીડિયા નોબેલના સપના જોઈ રહ્યું છે, બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ બનેલી છે.

આ પણ વાંચોઃ  દુનિયાની સૌથી મોટી વિમાન ફેક્ટરી, અહિંયા બને છે અનેક પ્રકારના વિમાન