ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી રાજદ્વારી વાટાઘાટો અટકેલી છે, ત્યારે કિમ જોંગ ઉનની આગેવાની હેઠળના ઉત્તર કોરિયાએ સોમવારે તેના પૂર્વીય સમુદ્રી ક્ષેત્ર તરફ એકસાથે અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડીને પ્રદેશમાં નવો તણાવ ઊભો કર્યો છે. દક્ષિણ કોરિયાની સૈન્ય અને જાપાનના સંરક્ષણ મંત્રાલયે આ મિસાઇલ પ્રક્ષેપણની સત્તાવાર પુષ્ટિ કરી છે.

દક્ષિણ કોરિયા અને જાપાનનું નિવેદન

દક્ષિણ કોરિયાના 'જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ' (JCS) અનુસાર, આ મિસાઇલો ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગની આસપાસના વિસ્તારમાંથી છોડવામાં આવી હતી. તાજેતરના વર્ષોમાં પ્યોંગયાંગના હવાઈ મથકનો ઉપયોગ મુખ્ય લોંચ પેડ તરીકે કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, જાપાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમણે ઓછામાં ઓછી બે બેલિસ્ટિક મિસાઇલો જોઈ છે, જે જાપાનના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) ની બહાર સમુદ્રમાં જઈને પડી હતી.

દક્ષિણ કોરિયાના હાઇપરસોનિક ટેસ્ટનો જવાબ?

ઉત્તર કોરિયાનું આ પરીક્ષણ દક્ષિણ કોરિયા દ્વારા શુક્રવારે તેના પ્રથમ સ્વદેશી હાઇપરસોનિક હથિયારના સફળ ફ્લાઇટ ટેસ્ટના થોડા દિવસો બાદ જ સામે આવ્યું છે. અવાજની ઝડપ કરતાં પાંચ ગણી વધુ ઝડપે ઉડવા માટે સક્ષમ આ શસ્ત્ર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને ચકમો આપી શકે છે, જેને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગે પોતાની સંરક્ષણ ક્ષમતા મજબૂત કરવાનું એક મોટું પગલું ગણાવ્યું હતું. તેના જવાબમાં ઉત્તર કોરિયાએ પોતાની પરમાણુ અને શસ્ત્ર ક્ષમતાનું પ્રદર્શન વધુ તીવ્ર બનાવ્યું છે.

સરહદી વિવાદ અને વધતો આક્રોશ

ઉત્તર કોરિયા સતત પોતાની શસ્ત્ર સામગ્રી વિસ્તારી રહ્યું છે, જેમાં ૩ ઓક્ટોબરના રોજ કરાયેલું હાઇપરસોનિક મધ્યવર્તી-અંતરની મિસાઇલનું પરીક્ષણ અને નવા યુદ્ધજહાજનો સમાવેશ થાય છે. નેતા કિમ જોંગ ઉન અમેરિકા અને દક્ષિણ કોરિયાની વાટાઘાટોની તમામ ઓફરો ફગાવી રહ્યા છે.

આ ઉપરાંત, ગયા મહિને ભારે સશસ્ત્ર આંતર-કોરિયન સરહદ નજીક થયેલા લેન્ડમાઇન વિસ્ફોટમાં દક્ષિણ કોરિયાના ત્રણ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સંયુક્ત રાષ્ટ્ર કમાન્ડ અને દક્ષિણ કોરિયન સૈન્યના તપાસ અહેવાલમાં આ લેન્ડમાઇન ઉત્તર કોરિયા દ્વારા પ્લાન્ટ કરાયા હોવાનું બહાર આવ્યું હતું. જોકે, ઉત્તર કોરિયાએ આ ઘટનાની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કરીને દક્ષિણ કોરિયાની માફી માંગવાની માંગની મજાક ઉડાવી હતી, જેનાથી સરહદ પર પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.

આ પણ વાંચોઃ Africa: જીબુતી નજીક દરિયામાં ભયાનક દુર્ઘટના, હોડી પલટતાં 15 બાળકો સહિત 139નાં મોત, 84 લોકો ગુમ