કિમ જોંગ ઉનના આ નિર્ણયને દેશ માટે અલગ ઓળખ સ્થાપિત કરવાના અને દક્ષિણ કોરિયાથી દૂર રહેવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
ધ્વજમાં લંબાઇ અને પહોળાઇ કેટલી ?
ઉત્તર કોરિયાએ 78 વર્ષ પછી પોતાના રાષ્ટ્રીય ધ્વજમાં ફેરફાર કર્યો છે. નેતા કિમ જોંગ ઉને ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર બદલ્યો છે. 1948માં ધ્વજની રચના થયા પછી આ પ્રથમ વખત ધ્વજના કદમાં ફેરફાર થયો છે. જોકે, ધ્વજના રંગો અને લાલ તારો યથાવત છે. ઉત્તર કોરિયાના નવા બંધારણના અનુચ્છેદ 166માં નવા ધ્વજનું કદ નક્કી કરવામાં આવ્યું છે. પહેલાં, ધ્વજની ઊંચાઈ અને પહોળાઈનો ગુણોત્તર 1:2 હતો. હવે, આને 1:1.65 કરવામાં આવ્યો છે, એટલે કે ધ્વજ હવે પહેલા કરતા ઓછો પહોળો રહેશે.
ધ્વજમાં બદલાવ કેમ ?
ઉત્તર કોરિયાના ધ્વજમાં મધ્યમાં એક પહોળી લાલ પટ્ટી છે, જેની ઉપર અને નીચે સફેદ અને વાદળી પટ્ટાઓ છે. લાલ પટ્ટીની ડાબી બાજુએ સફેદ વર્તુળમાં પાંચ-પોઇન્ટેડ લાલ તારો દર્શાવવામાં આવ્યો છે. ધ્વજના બધા રંગો અને પ્રતીકો યથાવત રહેશે, ફક્ત તેનું કદ બદલાશે. નવો ધ્વજ પહેલા કરતા સાંકડો દેખાશે. ઉત્તર કોરિયાએ 9 સપ્ટેમ્બર, 1948 ના રોજ દેશની સ્થાપના પછી તરત જ સપ્ટેમ્બર 1948 માં તેનો વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ અપનાવ્યો. આ ધ્વજ દેશના પ્રથમ નેતા કિમ ઇલ સુંગના શાસનકાળ દરમિયાન ડિઝાઇન કરવામાં આવ્યો હતો અને તે સોવિયેત યુનિયનથી પણ પ્રભાવિત હતો. ઉત્તર કોરિયાના મતે, લાલ પટ્ટી જાપાન સામે લડનારા ક્રાંતિકારીઓના બલિદાનનું પ્રતિનિધિત્વ કરે છે. સફેદ રંગ શુદ્ધતાનું પ્રતીક છે, અને વાદળી રંગ શાંતિ, મિત્રતા અને સ્વતંત્રતાનું પ્રતીક છે. લાલ તારો સમાજવાદ અને ક્રાંતિનું પ્રતિનિધિત્વ કરે છે.
કિમ જોંગ ઉન કેમ બદલી રહ્યા છે ઓળખ ?
નિષ્ણાતોના મતે, કિમ જોંગ ઉન દેશ માટે એક અલગ ઓળખ બનાવવા માંગે છે. તે પોતાના દાદા અને પિતાના શાસનકાળ સાથે સંકળાયેલી ઓળખથી અલગ છબી બનાવી રહ્યો છે. અગાઉ, 2024 માં, ઉત્તર કોરિયાએ પણ પોતાના રાષ્ટ્રગીતના શબ્દોમાં ફેરફાર કર્યા હતા. આમાં, સમગ્ર કોરિયન દ્વીપકલ્પને એક દેશ તરીકે દર્શાવતા શબ્દોને દૂર કરવામાં આવ્યા હતા અને તેના સ્થાને "આ દુનિયા" શબ્દો મૂકવામાં આવ્યા હતા. દક્ષિણ કોરિયા સાથે પુનઃમિલનના સંદર્ભો પણ બંધારણમાંથી દૂર કરવામાં આવ્યા હતા. કિમ જોંગ ઉન હવે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાને બે અલગ અને દુશ્મન દેશો માને છે. ધ્વજમાં ફેરફારને પણ આ નીતિના પ્રતિબિંબ તરીકે જોવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ Nvidiaના ભૂતપૂર્વ CEO જેન્સેન હુઆંગનો ચોંકાવનારો ચહેરો, બેઠકમાં અધિકારીઓ સાથે કેમ હતો ક્રૂર વ્યવહાર?, જાણો
