ઉત્તર કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ ઉનને હથિયારો અને ન્યુક્લિયર એનર્જીના કોઈપણ પ્રકારના ઉપયોગનો ખૂબ જ શોખ છે અને આ વાત આખી દુનિયા જાણે છે. હવે તેમણે આ બંને શોખને ફરી એકવાર સાથે જોડ્યા છે અને ન્યુક્લિયર એનર્જીથી ચાલતી એવી સબમરીન બનાવી રહ્યા છે.
કિમ જોંગ ઉને પ્લાન્ટની મુલાકાત લીધી
મળતી માહિતી પ્રમાણે ઉત્તર કોરિયાની સરકારી મીડિયાએ ગુરુવાર, 25 ડિસેમ્બરે જણાવ્યું હતું કે કિમ જોંગ ઉને તે પ્લાન્ટની મુલાકાત લીધી જ્યાં પરમાણુ ઊર્જાથી ચાલતી સબમરીન બનાવવામાં આવી રહી છે. તેમણે નવા પ્રકારની એન્ટી-એર મિસાઇલોના ટેસ્ટ લોન્ચનું પણ નિરીક્ષણ કર્યું, જે કથિત રીતે અંતરિક્ષ સુધી પહોંચી હતી. એટલું જ નહીં, ઉત્તર કોરિયા પાણીની અંદરથી ચલાવવામાં આવનારા નવા પ્રકારના ગુપ્ત હથિયારો પર પણ સંશોધન કરી રહ્યો છે અને કિમ જોંગ ઉને તેના વિશે પણ માહિતી મેળવી છે. તાનાશાહની આ મુલાકાતના ફોટોઝ પણ જાહેર કરવામાં આવ્યા હતા.
